પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

५५-श्रेष्ठीकन्या असामान्या

કુલીન યુવતીનો જન્મ બંગાળા પ્રાંતમાં એક શ્રીમંત જગતશેઠના ઘરમાં થયો હતો. એ વખતે નવાબ સિરાજ-ઉદ્દોલ્લાનું રાજ્ય હતું. એ વીસ વર્ષનો તરુણ હતો. એના પહેલાં એનો દાદો અલિવર્દીખાન રાજ્ય કરતો હતો. અલિવર્દીખાને પૌત્રને પુષ્કળ લાડમાં ઉછેર્યો હતો અને એ લાડને લીધે બાળક સિરાજઉદ્દૌલ્લા ઘણોજ બગડી ગયો હતો. ગાદી ઉપર બેઠા પછી એ પોતાના દુર્વ્યસની સોબતીઓની સંગતમાં ઘણી જાતનાં કુકૃત્યો કરવા લાગ્યો. એ બદમાશો પોળોમાં ફરતા અને કુલીન સ્ત્રીઓનું પાતિવ્રત્ય ભ્રષ્ટ કરતા. કુવારી કન્યાઓનું તેમના માબાપના દેખતાં હરણ કરી જતા. વિવાહિત યુવતીઓની તેમના પતિઓના દેખતાં લાજ લૂંટતા અને આ પ્રમાણે અનેક પ્રકારના અત્યાચાર કરતા. આથી પ્રજામાં ઘણો ગભરાટ ફેલાયો. બંગાળાના રાજ્યમાં બધે અંધેર ફેલાયું; પણ સિરાજ ઉદૌલ્લાએ પોતાની કુટેવ છોડી નહિ. હવે તો એણે પોતાના અમીરઉમરાવોની સ્ત્રીઓની પણ જબરજસ્તીથી આબરૂ લેવાનું નિર્લજ્જ કામ શરૂ કર્યું.

એ વખતમાં મુર્શિદાબાદમાં ઘણા મોટા મોટા શાહુકારો રહેતા હતા. એ લોકો જગતશેઠ કહેવાતા. હાલના સમયના રોકફેલર તથા રોથચાઇલ્ડ અને એન્ડ્રુ કાર્નેગી માફક એ લોકો દેશદેશાવરમાં ગંજાવર વેપાર ચલાવતા અને કરોડો રૂપિયાનું સ્વામિત્વ ભોગવતા. મોટા મોટા રાજાઓ અને જમીનદારો પણ તેમની પાસેથી કરજ લેતા. નાના મોટા રાજાઓ તેમના કરજદાર હોય એમાં તો નવાઈ શી? પણ ખુદ દિલ્હીનો બાદશાહ પણ રૂપિયા ઉધાર લેવાને માટે તેમને ત્યાં આવતો. તેમના આ અઢળક ધનને લીધે રાજદરબારમાં જગતશેઠનું ઘણું માન હતું.