પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



મૂકીને અસામાન્યા પાસે ભેટ તરીકે મોકલવું.” ખૂનીએ નવાબની આજ્ઞા પ્રમાણે તરતજ અમલ કર્યો. આ વખતે અસામાન્યાના હૃદયની શી અવસ્થા થઈ હશે, તેનું વર્ણન કરવું ઘણું જ અઘરું છે. ભય, ક્રોધ અને તિરસ્કાર આદિ મનોવિકારોને લીધે તેનું અંતઃકરણુ ઘણું મૂંઝાવા લાગ્યું. પોતાના પ્રિય પતિનું શિર ધડથી વેગળું થયેલું જોતાંવારજ, તે અભાગી અબળા મૂર્છિત થઈ ગઈ અને પછી તો દિનપ્રતિદિન તેનો શોક વધતો જવાથી, તેનામાં ઉન્માદ અને બુદ્ધિભ્રંશનાં લક્ષણ જણાવા લાગ્યાં.

રૈયત, જાગીરદારો અને શેઠશાહુકારો સાથે આ પ્રમાણે જુલમ અને અનાચાર કરીને સિરાજઉદ્દૌલ્લા લાંબો કાળ સુધી બંગાળાની ગાદીએ ટકી રહે, એ અસંભવિત હતું. સિરાજઉદ્દૌલ્લા પોતાના દુરાચારનું ફળ ઘણું જલદી ભોગવવા લાગ્યો, બંગાળામાં સરદારોનું પ્રાબલ્ય મૂળથી જ ઘણું અધિક હતું. જ્યારે એમણે પોતાના નવાબની મતિ આટલી બધી ભ્રષ્ટ થયેલી જોઈ, ત્યારે એમણે એના જુલમથી ત્રાસ પામીને અંગ્રેજ લોકોની મદદ માગી અને તેમની સહાયતાથી સિરાજઉદૌલ્લાને પદભ્રષ્ટ કરીને તેની જગ્યાએ મીરજાફરને ગાદીએ બેસાડવાનો નિશ્ચય કર્યો. પ્લાસીની લડાઈમાં પરાજય પામીને સિરાજઉદીલ્લાએ ત્યાંથી નાસી જવાનો પ્રયત્ન કર્યો, પણ મીરજાફરના લોકોએ તેને ભાગબંગલા આગળ પકડ્યો અને મુર્શિદાબાદ આણ્યો. ત્યાં મીરજાફરના પુત્ર મિરાનના હુકમથી મહમદ બેગ નામના સૈનિકે તેનો શિરચ્છેદ કર્યો અને તેનું છિન્નવિચ્છિન્ન થઈ થઈ ગયેલું શરીર, એક હાથી ઉપર મૂકીને એક અપરાધી મનુષ્યની પેઠે દફનાવવા માટે સ્મશાનમાં મોકલી દેવામાં આવ્યું.

આ બધો સમય જગતશેઠની કન્યા અસામાન્યા ભ્રમિત સ્થિતિમાં હતી. એ કદી બહેરા માણસની પેઠે, તો કદી મૂંગા માણસની પેઠે, તો કદી નાના બાળકની પેઠે ચાળા કરતી. ઘણી વાર તે ઝનૂનમાં આવી જતી. ટૂંકામાં તેની ઘેલછા ઘણી વધતી જતી હતી. તેના પિતાએ તેને રાજી કરવા માટે, ઘણા વૈદોના અને હકીમના ઉપચાર કર્યા, ભૂવાજતિઓને બોલાવીને ઘણાએ જંત્રમંત્ર કરાવ્યા કે ભૂતપિશાચ વળગ્યું હોય તો ચાલ્યું જાય; પણ બધું ફોગટ નીવડ્યું. સિરાજ ઉદ્દોલ્લાનું ખૂન થયાના સમાચાર જ્યારે જાણવામાં આવ્યા, ત્યારે તેની દફનક્રિયા જોવાને