પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 હતી, પોતે ક્યાં જાય છે, તેની એને પોતાને જ ખબર નહોતી. તેના મનમાં એવો વિચાર આવ્યો હતો કે, “મારા પતિનું ખૂન કરનાર નવાબને મારે હાથે સજા થવી જોઈતી હતી, તેને બદલે પરમેશ્વરે પોતે કરી. વસ્તુતઃ પરમ દયાસાગર પરમેશ્વરની ફરજ તો તેનું રક્ષણ કરવાની હતી; કારણકે એ દુરાચારી અને મૂઢ હોવાથી પ્રભુએ તેના ઉપર દયા લાવીને તેનું ભલું કરવું જોઈતું હતું, પરંતુ જ્યારે પ્રભુએ એ કામ કર્યું નથી, ત્યારે મારે એમજ સમજવું જોઈએ કે, એણે એ કામ મારે સારૂ રાખી મૂક્યું છે. બસ, એજ ખરી વાત છે.” આવો વિચાર આણીને અસામાન્યા એકદમ ઘર છોડીને ચાલી ગઈ અને જેમનું કલ્યાણ કર્યાથી સિરાજઉદ્દોલ્લાનુંજ કલ્યાણ કર્યા બરોબર ગણાય, એવાં મનુષ્યોને ખોળી કાઢવા યત્ન કરવા લાગી.

એ પહેલાં તો ભાગબંગલા ગઈ. ત્યાં ગયા પછી તેણે જે હકીકત સાંભળી, તેથી એને આનંદ થયો. સિરાજઉદ્દોલ્લા જે વખતે મુર્શિદાબાદ છોડીને નાસી ગયો હતો, તે વખતે તેના હજાર સેવકો અને મિત્રોમાંથી ફક્ત એકજ પ્રાણી તેની દુઃખી દશાનું ભાગી બન્યું હતું. એ પ્રાણી બીજું કોઈજ નહિ, પણ સિરાજે પોતાની આખી જિંદગીમાં તિરસ્કારેલી તેની સહધર્મિણી બેગમ મહેરૂન્નિસા હતી. સિરાજે તેનું નામ ‘ગુલ’ પાડ્યું હતું. એ દુષ્ટે પોતાના દુરાચારને લીધે એ બિચારીને ઘણી જ તરછોડી કાઢી હતી, પરંતુ ગુલે આખર સુધી તેની સાથે છોડ્યો નહોતો. એ આ વખતે કેવળ સોળ વર્ષની તરુણી હતી અને આજ સુધી દુઃખ એ શું છે એ જાણ્યું નહોતું; પણ પતિના સંકટ સમયે એ એની સાથે પહાડો અને કોતરોમાં નાસતી ફરવાને તૈયાર થઈ. અધૂરામાં પૂરું, આ વખતે એ સગર્ભાવસ્થામાં હતી, પણ એણે પતિભક્તિની ખાતર કોઈ પણ જાતની હાડમારીનો વિચાર કર્યો નહિ. ભાગબંગલા આગળ આવતાં તેને પ્રસવ થયો અને તેણે એક સુંદર કન્યારત્નને જન્મ આપ્યો. એ પ્રસંગે સિરાજઉદ્દૌલ્લાને ત્યાં આગળ થોડા દિવસ રહેવું પડ્યું. ત્યાં આગળજ શત્રુઓએ તેને પકડી પાડ્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું. એ નરાધમને તો એની યોગ્ય સજા મળી, પણ ગરીબ બિચારી ગુલની દશા કેવી કરુણાજનક ! એક વખતે જે સુંદરી આખા બંગાળ, બિહાર અને ઉડ્ડિસાના નવાબની બેગમ તરીકે