પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



એક કિંમતી વીંટી એ નાવિકને આપીને ગંગા પા૨ જવાની ગુલે ગાઠવણ કરી. પેલી તરફ અસામાન્યાએ જોયું કે, આવા તોફાનમાં ગુલ પોતાની કન્યા સાથે હોડીમાં બેસીને ચાલી જાય છે. થોડી વારમાં તે હોડી તેની દૃષ્ટિમાંથી દેખાતી બંધ પડી. જેનું કલ્યાણ કરવાના ઉદ્દેશથી એ આટલા વર્ષ સુધી ગમે તેટલું દુઃખ વેઠીને રખડતી રહી, તે આખરે હોડીમાં બેસીને ચાલી ગઈ. થોડી વારમાં તેણે એક ચિચિયારી સાંભળી અને અસામાન્યાને ખાતરી થઈ કે, હોડી ડૂબી ગઈ છે અને આ ચીસ તે ગુલબેગમની ડૂબતી વખતની ચીસ છે. તરતજ એ નદી માં કુદી પડી અને તરતી તરતી જે સ્થળે નૌકા ડૂબી ગઈ હતી, ત્યાં પહોંચી ગઈ એણે ગુલના વાળ પાણીમાં જોયા એટલે એણે ચોટલો જોરથી ખેંચીને ગુલબેગમને બહાર ખેંચી કાઢી. બાળકી હજુ ગુલની સોડમાંજ હતી. એણે એની પાસેથી બાળકીને પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો, પણ એ દશામાં પણ ગુલ પોતાની પ્રાણાધાર કન્યાથી છૂટી પડી નહિ. અસામાન્ય તરવામાં ઘણીજ કુશળ હતી, એટલે એ મા દીકરી બંનેને લઈને સહીસલામત કિનારે આવી પહોંચી. એમને કિનારે પહોંચતાં ત્રણ કલાક થયા. ગુલ તે વખતે અધમૂઈ થઈ ગઈ હતી. અસામાન્યા તેને એક ઝૂંપડામાં લઈ ગઈ અને તેને બચાવવા ઘણા પ્રયત્ન કર્યો, પણ અફસોસ! નવાબ સિરાજઉદ્દોલ્લાની પવિત્ર અને પતિવ્રતા બેગમ એ ઘાતમાંથી બચવા પામી નહિ. ઘણી મુશ્કેલી એ અસામાન્યા ગુલની કન્યાનો પ્રાણ બચાવી શકી, પણ એની બોલવાની શક્તિ ચાલી ગઈ હતી.

અસામાન્યાનું પાછળનું વૃત્તાંત જાણવામાં નથી આવ્યું. સંભવ છે કે, એ ઘણું મનોરંજક પણ નહિ હોય. પોતાના શત્રુની કન્યાને લઈને તે પૂર્વ બંગાળાના કોઈ ભાગમાં ઘણો વખત સુધી રહી હતી. એ ભાગના લાખો લોકો હજુ પણ તેને એક દેવી તરીકે પૂજે છે.

દૃઢ નિશ્ચયનું ફળ કેવું હોય છે ! અસામાન્યાનો નિશ્ચય હતો કે સિરાજઉદ્દૌલ્લાના કુટુંબનું કલ્યાણ કરવું, તો આખરે એને એ પ્રસંગ મળી આવ્યો અને એ સ્વર્ગસ્થ નવાબની કન્યાને પોતાના જ બાળકની પેઠે ઉછેરીને કેળવવાને ભાગ્યશાળી થઈ.