પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

५६-विद्यावती

નો જન્મ દક્ષિણ ભારતમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. ત્યાંના વિજનામના નિવાસી નૃસિંહધર નામના એક વિખ્યાત ધનવાન જમીનદાર સાથે એમનું લગ્ન થયું હતું, દયા, સૌજન્ય અને પરોપકાર એ એમના સ્વભાવનાં ખાસ લક્ષણ હતાં.

વિદ્યાવતી પણ પતિના જેવાજ સદ્‌ગુણ ધરાવતી આદર્શ નારી હતી. એમની બુદ્ધિ વિલક્ષણ હતી અને પરમ ધાર્મિકતા એમની નસેનસમાં ભરેલી હતી. ધનવાન જમીનદારની પત્ની હોવા છતાં, અભિમાનનો લવલેશ છાંટો એમના સ્વભાવમાં ન હતો. એમની સરળતા, મધુરતા તથા સ્નેહથી એમના સમાગમમાં આવનાર બધા પ્રસન્ન અને મુગ્ધ થઈ જતાં. ઘરસંસારનું ઘણું ખરૂં કામ પોતાને હાથે કરતાં. દાસદાસીઓને કોઈ દિવસ કડવાં વચન કહેતાં નહિ; બલકે એમને પોતાનાં સંતાન સમાં ગણીને વર્તતાં. સાંસારિક કાર્યોમાં ગૂંથાયલાં રહેવા છતાં પણ ધર્માનુષ્ઠાન નિયમિત રીતે કરતાં. પતિભક્તિ એમના જીવનનું મુખ્ય કર્તવ્ય હતું. તેમના શરીરનું લાવણ્ય અને માધુર્ય જોતાં એમને દેવી કહેવાનું મન થતું. તેમની દૃષ્ટિમાંથી એક સ્વર્ગીય તેજનો સંચાર થતો. એ દરરોજ શિવપૂજા કરતાં અને પૂજા કર્યા વગર પાણી સુધ્ધાંત પીતાં નહોતાં. એકાગ્રચિત્તે હાથ જોડી ને જ્યારે એ પૂજા કરતાં અને સ્તવન ગાતાં, ત્યારે એમના હૃદયમાં એટલી ભક્તિ ઉત્પન્ન થતી કે નયનમાંથી દડદડ અશ્રુધારા પડતી. પૂજા સમયે તેમના સુખની પ્રભા ઉજ્જવળ થતી.

એ સદાચારી, ભક્તિપરાયણ અને વિદુષી માતાના ગર્ભમાં ભારતવર્ષના પ્રસિદ્ધ સાધુ શ્રીતૈલંગ સ્વામીનો જન્મ થયો હતો.

તૈલંગધરની બુદ્ધિ ઘણી તીવ્ર હતી અને સ્મરણશક્તિ એવી અસાધારણ હતી કે એક વાર સાંભળ્યાથીજ પાઠ કંઠસ્થ થઇ જતો.