પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો




કિશોરાવસ્થા પાર કરીને યૌવનમાં પગ મૂકતાં, તૈલંગધરના સ્વભાવમાં ફરક પડ્યો. યૌવનસુલભ ચંચળતા આવવાને બદલે એમનામાં ગંભીરતા અને ઉદાસીનતા આવવા લાગ્યાં. પુત્રની આ દશા જોઈને પિતાને ચિંતા થઈ. તેના જીવનમાં પ્રફુલ્લતા આણવા સારૂ તેમણે તેનું લગ્ન કરી દેવાનો વિચાર કર્યો; પરંતુ તેલંગધરે પરણવાની સાફ ના કહી. નૃસિંહધરે તેને વારંવાર આગ્રહ કર્યો, ત્યારે તેણે એક દિવસ સ્પષ્ટ જણાવ્યું કે, “આ ક્ષણભંગુર નશ્વર જીવનની જ જ્યારે સ્થિરતા નથી, તો પછી નાહકનો એ જીવને માયાજાળમાં બાંધવાની શી જરૂર છે? જે અવિનશ્વર અને ચિરસ્થાયી છે, તેનીજ શોધમાં રહેવું જોઈએ અને હું તેનીજ શોધમાં છું.” નૃસિંહધરે પુત્રનો વિચાર બદલવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ એમાં સફળતા ન મળી, એથી એમને ઘણી ચિંતા થઈ; પરંતુ વિદુષી વિદ્યાવતી ઘણી બુદ્ધિમતી હતી. એનો પુત્રસ્નેહ અંધ ન હતો. પુત્રને માટે શ્રેય શું છે અને પ્રેય શું છે, એ તે સારી પેઠે જાણતી હતી. પુત્રનો માનસિક ભાવ એ બારીકાઈથી અવલોકી રહી હતી. એ જાણી ગઈ હતી કે, તૈલંગ ધર્મના માર્ગમાં આગળ વધી રહ્યો છે. એ સંસારના માયા મોહમાં ફસાવાને નારાજ છે; પરંતુ એથી જરા પણ દુઃખી થવાને બદલે વિદ્યાવતી ઊલટી વધારે પ્રસન્ન થઈ. તેણે સ્વામીને ઉદાસ જોઈને એક દિવસ એકાંતમાં કહ્યું કે, “તૈલંગ વિવાહ કરવાની ના કહે છે, તેમાં તમે આટલા બધા નિરાશ શા સારૂ થઈ ગયા છો ? વિવાહનો ખરો ઉદ્દેશ શું છે ? જો વંશ ચલાવવો એજ લગ્નનો ઉદ્દેશ હોય, તો *[૧]શ્રીધરના લગ્નથી એ ઉદ્દેશ પાર પડશે. તૈલંગની ઈચ્છા જ લગ્ન કરવાની નથી, તો પરાણે એને પરણાવવાથી એનું મન કદી પણ પ્રફુલ્લ નહિ રહે. એથી તો ઊલટું પરિણામ આવવાની શંકા રહે છે. વળી જે માર્ગે તે જઈ રહ્યો છે, તેમાં એને સફળતા મળશે, તો કેવળ આપના કુળનું જ નહિ પણ આખા ભારતનું મુખ ઉજ્જવળ થશે. માતાપિતાને માટે એ શું ઓછી ગૌરવની વાત છે ? માટે એના કોઈ પણ કાર્યમાં જરા પણ વિઘ્ન આવે એવું એક પણ કામ આપની તરફથી ન થવું જોઈએ; બલકે જેથી કરીને એ ધીમે ધીમે એ માર્ગમાં અગ્રેસર થાય અને પોતાના ઉદ્દેશમાં સફળ થાય, એવા


  1. * શ્રીધર વિદ્યાવતીની શોક્યનો પુત્ર હતો.