પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


એ પુત્ર બાલ્યાવસ્થાથીજ ઘણો તેજસ્વી અને બળવાન હતો. જન્મ પછી તરતજ તેને હનુરૂહ નગરમાં એક વિદ્યાધર લઈ ગયો હતો, માટે એનું નામ હનુમાન પાડવામાં આવ્યું. એ હનુમાન તે બળ, પરાક્ર્મ અને સ્વામીભક્તિ માટે હિંદુ માત્રના આરાધ્ય મહાવીર હનુમાન.

પવનંજય યુદ્ધમાં વિજય મેળવીને પાછો આવ્યો, ત્યારે એને ખબર પડી કે, પિતાએ અંજનાદેવીને મિથ્યા આળ ચડાવીને કાઢી મૂકી છે, એથી એને ઘણો શોક થયો અને અંજનાના નામનું રટણ કરતો એની શોધમાં વનેવન ભટક્યો. આખરે કહીં પત્તો ન લાગ્યો ત્યારે એવી સતી પત્નીના વિરહ કરતાં મૃત્યુ હજાર દરજ્જે સારૂં છે, એમ ગણીને આત્મઘાત કરવાનો સંકલ્પ કર્યો. એવામાંજ એનો પિતા ત્યાં પહોંચી ગયો અને આત્મઘાત એ મહાપાપ તથા કાયરતાનું લક્ષણ છે, એમ સમજાવીને એને ચિતામાં પડતાં રોક્યો.

એવામાં અંજનાસુંદરીનો આશ્રયદાતા પ્રતિસૂર્ય વિદ્યાધર પણ એ સતીને લઈને ત્યાં આવી પહોંચ્યો અને એણે કેવી પવિત્રતાથી ધર્માચરણપૂર્વક જીવન ગાળ્યું છે તે જણાવ્યું તથા હનુમાનના જન્મ અને બાળપરાક્રમનો વૃત્તાંત સંભળાવ્યો. પવનંજયના હર્ષનો પાર રહ્યો નહિ. અંજનાદેવીના દુઃખનો હવે અંત આવ્યો.

વિદ્યાધર પ્રતિસૂચના આગ્રહને માન આપીને પવનંજય પત્ની તથા કુમાર હનુમાનસહિત કેટલાક સમય સુધી ત્યાં રહીને પછી પોતાની રાજધાનીમાં ગયો.

હનુમાનને માતપિતા તરફથી સારૂં શિક્ષણ મળ્યું હતું. એમણે રામચંદ્રજીની કેવી ઉત્તમ સેવા કરી તે જાણીતું છે.

હનુમાન મોટો થતાં પવનંજયે તેને રાજ્ય સેંપીને દીક્ષા ગ્રહણ કરી. અંજનાસુંદરીએ પણ એક વિદ્વાન મુનિ પાસે દીક્ષા લીધી અને કર્મનો ક્ષય કરીને મોક્ષને પામી.X[૧]


  1. X હનુમાન–જનની અંજનાનું આ ચરિત્ર જૈનગ્રથો ઉપરથી લેવામાં આવ્યું છે. હિંદુઓ પણ હનુમાનની માતાનું નામ અંજના અને પિતાનું નામ પવન માને છે. જૈનદૃષ્ટિએ લખાયલું સતીનું આ ચરિત્ર અમને બોધક જણાયાથી એનેજ સ્થાન આપ્યું છે.—પ્રાયોજક