પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૧
દેશપ્રેમી હીરાદેવી



નામનો એક રજપૂત હતો. એની બુદ્ધિ બગડી અને સ્વાર્થની લાલચે પોતાના સ્વામીને દગો દેવાનો વિચાર એને સૂઝ્યો. અડધી રાત્રે એ દુષ્ટ સંતાતો છુપાતો શત્રુના સરદારને મળવા ગયો અને કહ્યું કે, “બાદશાહ મને ગઢ આપી દે, તો હું છુપો રસ્તો બતાવું.” સરદારે વચન આપ્યું અને વીકા સેજવાલે લોભને લીધે વિશ્વાસઘાત કર્યો. મલિકે રાતોરાત લશ્કર એકઠું કર્યું અને ગઢ ઉપર ચઢાઈ કરી.

વીકો હર્ષભેર ઘેર ગયો અને પત્નીને પ્રેમપૂર્વક જણાવવા લાગ્યોઃ “વહાલિ ! આપણાં દુઃખનો અંત આવી ગયો. કાલે હું રાજા બનીશ અને તું રાણી બની પૂર્ણ વૈભવમાં જીવન ગાળીશ.” પતિને અને એની અધમ યોજનાની વિગતવાર વાત સાંભળતાં દેવી હીરાને ઘણોજ ક્રોધ ઉત્પન્ન થયો. એ શૂરી ક્ષત્રિયાણીનું લોહી ઉકળી આવ્યું. પતિ માટે એના હૃદયમાં લેશમાત્ર પણ સન્માન રહ્યું નહિ. ઉશ્કેરાઈ જઈને એણે કહ્યું: “દુષ્ટ ! નરાધમ ચંડાળ! તેં આ શું કર્યું? તેં તારા લોભની મોકાણમાં સ્વામીદ્રોહ કર્યો! ધિક્કાર છે તને!” એમ કહીને ગુસ્સાના આવેશમાં એણે પાસે પડેલું ત્રાંબાનું વાસણ પતિને છુટુ માર્યુ. દૈવવિશાત્ વીકો ભેાંય ઉપર પડીને મરણ પામ્યો. હીરાદેવી તરતજ રાજા પાસે ગઈ અને પોતાના સ્વામીએ કરેલી નિમકહરામી તથા એના પાપે દેશ ઉપર આવેલી આફત જાહેર કરી, પણ થવાનું હતું તે થઈ ચૂક્યું. ગુપ્ત માર્ગ જાહેર થઈ જવાથી મુસલમાનોને ઘણી મોટી સગવડ મળી ગઈ અને ભયંકર યુદ્ધમાં એમને સફળતા મળી.

સંભવ છે કે, પતિભક્તિને એકમાત્ર સદ્ગુણ માનનારાઓ હીરાદેવીના આ કામને વખોડી કાઢશે; પણ એના પતિનું કામ કોઈ પણ સમજુ મનુષ્યના હૃદયમાં અસાધારણ ક્રોધ અને તિરસ્કાર ઉત્પન્ન કરે એવું હતું અને ત્રાંબાનું વાસણ ફેંકવામાં હીરા દેવીનો ઉદ્દેશ પતિની હત્યા કરવાને નહિ, પણ એના અધમ કૃત્ય માટે તિરસ્કાર દર્શાવવાનો હતો. એ વિચારથી તેઓ પણ એને ક્ષમા કરશે.×[૧]


  1. × શ્રી. ડાહ્યાભાઈ દેરાસરી સંપાદિત ‘કાન્હડદે પ્રબંધ'ની પ્રસ્તાવનામાંથી સાભાર આ ચિત્ર લેવામાં આવ્યું છે. - પ્રયોજક