પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

५९-विष्णुप्रिया

બંગાળના સુપ્રસિદ્ધ ભક્ત-શ્રીકૃષ્ણના અવતારરૂપ મનાતા શ્રીગૌરાંગ મહાપ્રભુ-ચૈતન્ય-દેવનાં એ ધર્મપત્ની થાય.

બંગાળામાં નદિયા (નવદ્વીપ) નામનું નગર સંસ્કૃત ભાષા અને ન્યાયશાસ્ત્રના અભ્યાસ માટે ઘણું પ્રસિદ્ધ છે. ત્યાં આગળ શ્રીસનાતન મિશ્ર નામનો એક વૈદિક બ્રાહ્મણ વસતો હતો. લોકો એમને રાજપંડિત કહેતા. નવદ્વીપમાં એમની સારી વિખ્યાતિ હતી. એ એક પ્રતિષ્ઠિત પુરુષ ગણાતો હતો. એમનાં પત્નીનું નામ મહામાયાદેવી હતું. એ પણ સારા સ્વભાવની અને કુટુંબવત્સલ સ્ત્રી હતી. પોતાની વિધવા દેરાણી વિધુમુખીનું એણે પુત્રીની પેઠે પાલન કર્યું હતું. આવી માતાના ગર્ભમાં આશરે શકે ૧૪૧૫ કે ૧૪૧૬ માં નવદ્વીપ ધામમાં શ્રી વિષ્ણુપ્રિયાનો જન્મ થયો હતો. જન્મ સમયેજ એ બાળા ઘણી સુંદર હતી. કવિશ્રી લોચનદાસ ઠાકુર લખે છે કે, “વિષ્ણુપ્રિયાનું અંગ તપાવેલા સોના જેવું હતું અને જાણે વીજળીની પ્રતિમા ઝગઝગાટ કરી રહી હોય એમ લાગતું.” શ્રી સનાતન મિશ્ર પ્રસૂતિગૃહમાં ગયા તો કન્યાનું સંપૂર્ણ સૌંદર્ય જોઈને તેમના હર્ષનો પાર રહ્યો નહિ. એમનાં નેત્રમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યાં અને આવી કન્યા પોતાને ઘેર આપવા માટે પ્રભુને ધન્યવાદ દેવા લાગ્યા. દંતકથા એવી છે કે, એ સમયે શ્રીસનાતન મિશ્રે દેવવાણી સાંભળી કે, “મિશ્ર ! તું આ કન્યાને ઓળખી શક્યો નથી. એ તારા આરાધ્યદેવ શ્રીવિષ્ણુની પ્રિયતમા વિષ્ણુપ્રિયા છે. જગન્નાથ પંડિતને ઘેર નારાયણનો અવતાર થયેલ. આજ તારે ઘેર લક્ષ્મીજીનો આવિર્ભાવ થયો.” એ દિવસથીજ પતિ પત્ની એ બાલિકાને લક્ષમીસ્વરૂપ માનીને તેનું લાલનપાલન કરવા લાગ્યાં.