પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



સમયે ગૌરાંગદેવે માતુશ્રીને જણાવ્યું કે, “મારી ઈચ્છા પિતૃશ્રાદ્ધ કરવા ગયાજી ધામ જવાની છે.” શચિદેવી એ સાંભળીને ચિંતામાં પડ્યાં. તેમણે કહ્યું: “બેટા નિમાઈ ! તું તો મુજ આંધળીનો ટેકો છે. મારા નયનનો તારો છે. તને જોયા વગર એક ઘડી મારાથી રહેવાતું નથી. તું પિતૃકર્મ કરવા જાય છે એટલે વધારે તો શું કહું? પણ જીવતી જનનીના નામનો પણ પિંડ દેતો આવજે, કેમકે તારા વગર મારાથી જીવાવાનું નથી." આર્યસંતાનનું કર્તવ્ય છે કે પોતાના પૂર્વજોને પિંડદાન કરે, એ વાત સારી પેઠે સમજાવીને ગૌરાંગદેવે માતાને શાંત કર્યો. માતાએ ચંદ્રશેખર આચાર્યને સાથે મોકલ્યા. બીજા કેટલાક વિદ્યાર્થીઓ પણ સાથે ગયા. એ સમયમાં પગરસ્તે કલકત્તાથી ગયા જવું એ પણ લાંબી અને જોખમભરેલી મુસાફરી ગણાતી હતી.

વિષ્ણુપ્રિયાએ પતિના પ્રવાસની બધી વાત સાંભળી હતી. એમના જીવનમાં પ્રાણવલ્લભના વિયોગનો આ પ્રથમ પ્રસંગ હતો. વિરહના વિચારથી એ અધીરા બની ગયાં, પણ કરે શું? સાસુજીએ હૃદય કઠણ કરીને રજા આપી તો પોતે પતિને પિતૃકૃત્ય કરવા જતાં કેવી રીતે રોકી શકે ? ગયા જતાં પહેલાં શ્રીગૌરાંગદેવ ઘરમાં પત્નીની વિદાય લેવા ગયા હતા અને કહ્યું હતું કે, “આ શિયાળામાં પાછો આવીશ, ઘેર રહી માતાની સેવા કરજે.” શ્રીમતી વિષ્ણુપ્રિયા એકીટશે પતિના મુખ સામું જોઈ રહ્યાં. એક શબ્દ એમના મુખમાંથી નીકળ્યો નહિ. મસ્તક નીચું નમાવીને પતિદેવતાના ચરણ તરફ ઝાંખી રહ્યાં. એમનાં નેત્રોમાંથી અશ્રુબિંદુ સરવા લાગ્યાં. શ્રીગૌરાંગ એ જોઈને ખેદ પામ્યા. તેમણે પ્રિયાને વક્ષઃસ્થળમાં ધારણ કરીને છાનાં રાખ્યાં. વિષ્ણુપ્રિયાને મનથી એ સુખની અમૂલ્ય ક્ષણ હતી. થોડી વાર પછી તેમણે કહ્યું: “ હૃદયેશ્ચર ! તમારા વગર હું કોઈને ઓળખતી નથી, કયા દોષની ખાતર મને છોડીને જાઓ છો?” પ્રભુ કાંઈ બોલ્યા નહિ. પ્રેમાલિંગન દ્વારા પત્નીને શાંત કરી એ વિદાય થયા. માતા શચિદેવી તેમને વળાવવા નદી સુધી ગયાં.

સ્વામીના ગયા પછી થોડી વાર સુધી તો વિષ્ણુપ્રિયા પતિની પથારીમાં એશીકામાં મોટું સંતાડીને ખૂબ રોયાં. ત્યાર પછી દેવસેવાની ઓરડીમાં જઈ ઠાકોરજીને પ્રાર્થના કરવા લાગ્યાં મારા પ્રાણવલ્લભ વિદેશ સિધાવે છે, તેમને કોઈ પણ જાતની