પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫
વિષ્ણુપ્રિયા



વગર માતપિતાની રજા લઈ ચિંતાતુર વદને વિષ્ણુપ્રિયા સાસરે આવ્યાં. એમના નેત્રમાંથી આંસુ વહેતાં હતાં. દુઃખમાં કોઈ પોતાનાજ સમાન દુઃખીઆંને જોતા હૃદયને કાંઈક શાંતિ મળે છે. શચિદેવીએ પોતાના દુઃખને સમાવીને પુત્રવધૂને આશ્વાસન આપ્યું કે, “મારો ગૌરાંગ મને પૂછ્યા વગર ક્યાંય જનાર નથી. એણે મને ખાતરી આપી છે.” પ્રભુએ બે નારીઓનું ક્રંદન સાંભળ્યું. શ્રીગૌરાંગ બપોરેજ ભોજન કરવા ઘેર આવ્યા. વિષ્ણુપ્રિયાને પિયેરથી ત્યાં આવેલાં જોઈને એમને આશ્ચર્ય થયું. દેવીએ પતિને માટે સ્વાદિષ્ટ ભોજન રાંધીને પ્રેમથી પીરસવા માંડ્યું, માતા શચિદેવીએ લાગ જોઈને પુત્રને બે શબ્દ કહ્યાઃ “દીકરા ! તું મને છોડીને ચાલ્યો જઈશ? તું પણ તારા મોટાભાઈની પેઠે મને દુઃખસાગરમાં ડુબાડીશ? મેં સાંભળ્યું છે કે તું જગતના જીવોને ધર્મનું શિક્ષણ આપવા સારૂ સંન્યાસ લેવાનો છે, પણ વૃદ્ધ માતાનો વધ કરીને તું ધર્મકાર્ય કેવી રીતે કરી શકીશ? પોતે અધર્મી થઈ બીજાઓને તું ધર્મ શીખવીશ?” માતાની એ હૃદયવિદા૨ક વાણી શ્રીગૌરાંગ નીચે મુખે સાંભળી રહ્યા. માતાએ છેવટના જે શબ્દો કહ્યા તે તો એમના હૃદયને પિગળાવી નાખવાને માટે પૂરતા હતા. “હાચ ! નિમાઈ, લોકો તને ભગવાન કહે છે. જીવમાત્ર પ્રત્યે તારી દયા છે. શું કેવળ આ ચિરદુઃખિની અભાગણી જનેતાની સાથેજ તું નિર્દય થઈશ ?”

ત્યાર પછી પોતાની વાત પડતી મૂકીને એમના ગયાથી એમના ભક્તોની શી દશા થશે તે તરફ ધ્યાન ખેંચ્યું; કેમકે એ જાણતા હતા કે ભક્તો ઉપર શ્રીગૌરાંગદેવને ઘણો પ્રેમ છે. છેવટે માતાએ કહ્યું: “ખાતરી રાખજે કે, તું સંન્યાસ લઈશ તે પહેલાં તો હું મરીશ અને પછી વિષ્ણુપ્રિયા મરશે.” પત્નીનું નામ સાંભળતા શ્રીગૌરાંગદેવનું શરીર કંપી ઊઠ્યું. છેવટે શચિદેવીએ ધર્મશાસ્ત્રનું શરણ લઈ પુત્રને કર્તવ્ય સમજાવવા માંડ્યું: “દીકરા ! તેં હજી ગૃહસ્થાશ્રમ પૂરો ભોગવ્યો નથી, સંતાન ઉત્પન્ન કરી પિતૃઋણ ચૂકવ્યું નથી, વળી ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે, તરુણાવસ્થા એ સંન્યાસધર્મના પાલન માટે યોગ્ય વય નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, એ યૌવનમાં પ્રબળ હોય છે. એ વયમાં તારો સંન્યાસ સફળ કેવી રીતે થશે ? કલિયુગમાં મનને અંકુશમાં રાખી શકાતું નથી. મનમાં ચંચળતા આવવાથી ધર્મનો ક્ષય થાય છે. આ કલિયુગમાં