પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



તો ગૃહસ્થાશ્રમમાં જ રહીને લોકો ધર્મનું પાલન કરી શકે છે.” શ્રીગૌરાંગદેવ અત્યાર લગી ચુપચાપ બેસી રહ્યા હતા, કાંઇ પણ ઉત્તર આપતા નહોતા; પણ હવે માતાને મુખેથી ધર્મતત્વની સૂક્ષ્મ વાતો સાંભળ્યા પછી તેમનાથી શાંત બેસી રહેવાયું નહિ! એમના પાંડિત્ય સંબંધી અભિમાનને આઘાત લાગ્યો. ગંભીર ભાવ ધારણ કરીને ધર્મની દૃષ્ટિએજ તેમણે માતાને ઉપદેશ દેવા માંડ્યોઃ “કોણ તારો પુત્ર અને કોણ તારો બાપ? તું મારૂં તારું કરે છે એ મિથ્યા છે. આ જગતમાં કોણ કોનો પતિ છે અને અને કોણ કોની પત્ની છે? શ્રીકૃષ્ણચરણ વિના જીવોની અન્ય ગતિજ નથી. એજ માતા, પિતા, બંધુ, કર્તાહર્તા અને ધન છે. એના વિના બધું મિથ્યા છે. વિષ્ણુમાયાના બંધથી જગત ચાલી રહ્યું છે. પોતાના મદ અને અહંકારથી તો લોકો ઊલટી પીડા પામે છે. મનુષ્ય પોતાને માટે જે કર્મને લાભકારી ગણે છે તેજ કર્મ પરકાળમાં તેને બંધનરૂપ થઈ પડે છે. ચૌદલોકમાં આ મનુષ્યજન્મ દુર્લભ છે. વળી એ ક્ષણંગુર છે માટે એનો સદુ૫ચોગ કરીને કૃષ્ણભક્તિ કર્યાથીજ જીવાત્મા બધાં બંધનોમાંથી મુકત થાય છે, જેટલા ભાવથી તમે મારા પ્રત્યે પુત્રસ્નેહ દાખવી રહ્યા છે તેટલાજ ભાવથી શ્રીકૃષ્ણચરણમાં ચિત્ત પરોવો તો જીવન સફળ થઈ જશે.” આ ઉપરાંત અનેક રીતે સંસારની નશ્વરતા તથા પ્રભુભક્તિનું મહત્ત્વ સમજાવીને પોતાને સંન્યાસ લેવાની શા માટે આવશ્યકતા છે તે માતાને સમજાવ્યું.

ખરી વાત એ છે કે, મહાપુરુષોનો આવિર્ભાવ કોઈ ખાસ ઉદ્દેશ પાર પાડવા સારૂજ થાય છે. શ્રીચૈતન્યદેવના જન્મનો જે ઉદ્દેશ હતો તે એમના સંન્યાસ લીધા વગર પાર પડે એમ ન હતો. એક તો એ પોતે ભગવદ્‌ભક્તિમાં મસ્ત હોઈ ઘરમાં રહેવાનું પસંદ કરતા નહોતા; બીજું એમનો ઉદ્દેશ ધર્મપ્રચાર કરવાનો હતો. સંસારમાં રહ્યાથી એ હેતુ પાર પડે એમ નહોતું. ભારતવર્ષમાં એ સમયે ધર્મની દૃષ્ટિએ દયાજનક હતો. હિંદુઓમાં ધાર્મિક સ્વતંત્રતાનું નામ નહોતું. બ્રાહ્મણો બીજા વર્ણો ઉપર પોતાની સત્તા જમાવીને એટલા બધા દુરાચારી બની ગયા હતા કે, કેટલાકને ‘પાપમૂર્તિ’ કહીએ તો પણ ચાલી શકે. મુસલમાન જોરજુલમથી હિંદુઓને વટલાવતા હતા. કેટલાક હિંદુઓ પણ અડધા મુસલમાન થઈ ગયા હતા. ભગવદ્‌ભક્તિ અને સદાચારનું