પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭
વિષ્ણુપ્રિયા



નામ રહ્યું નહોતું. બંગાળાના શાક્તોએ દુરાચારનો એવો પ્રવાહ વહેવરાવ્યો હતો કે, શ્રીગૌરાંગદેવનો જન્મ ન થયો હોત અને સંન્યાસી બનીને શુદ્ધ તથા પવિત્ર ધર્મનો એમણે પ્રચાર ન કર્યો હોત તો કેવળ બંગાળાજ નહિ પણ આખું ભારતવર્ષ પાપ–ભૂમિ બની ગયું હોત. વામમાર્ગીઓના પંચ મકારથી બંગાળ ગભરાઈ રહ્યું હતું. શ્રીગૌરાંગે એ બધી વાત માતાને સમજાવી, એટલે ગમે તેટલો સ્નેહ હોવા છતાં માતા એમને સંન્યાસ લેતાં નિષેધ ન કરી શક્યાં. એમને ખબર પડી કે પુત્ર ઉપર મારી એકલીનોજ અધિકાર નથી, એના ઉપર આખા જગતનો અધિકા૨ છે. આખરે એમના મુખમાંથી નીકળી ગયું: “પુત્ર ! તું પુરુષોમાં રત્ન છે. તું આજથી સ્વતંત્ર છે. મારા ભાગ્યમાં તારૂં આટલુંજ સુખ લખ્યું હશે. જા, હવે તું સુખે સંન્યાસ લે અને તારા જીવનનો મહાન ઉદ્દેશ પાર પાડ.”

શચિદેવી વાત્સલ્યપૂર્ણ હતાં. સ્ત્રી જાતિમાં એમનો જન્મ થયો હતો. પુત્રને સંન્યાસી થવાની આજ્ઞા આપી તો ખરી, પણ એથી એમને ઘણું દુઃખ થયું. એ સ્નેહમયી જનની પુષ્કળ રડવા લાગ્યાં. શ્રીગૌરાંગે એમને ધીરજ આપીને કહ્યું: “મા! હું હજુ થોડા દિવસ ઘેર રહીશ. તમે રડશો નહિ. જતી વખતે તમારી રજા લઈને જઈશ.” શ્રીગૌરાંગે વિચાર્યું કે, “માતાની રજા તો મળી ગઈ પણ હજુ એક એવી બીજી વ્યક્તિની રજા લેવી બાકી છે, કે જેનો અધિકાર ઓછો નથી.” એ વ્યક્તિ હતી દુઃખી વિષ્ણુપ્રિયા.

શ્રી ગૌરાંગ એ રાત્રે ઘરમાં શયન કરી રહ્યા હતા. નિદ્રા આવી હતી કે નહિ એ તો એ પોતે જ જાણે. રાત વધારે ગઈ નહોતી. ભોજન કરીને વિષ્ણુપ્રિયા એમની પાસે ગયાં અને પતિને ઊંઘતા જોઈને એમના ચરણ આગળ બેસી ગયાં. સજળ, આતુર નેત્રથી એ પતિના મુખને જોવા લાગ્યાં. શ્રીગૌરાંગને જગાડવાનું સાહસ એમનાથી ન થયું, કેમકે એવી નિશ્ચિંત નિદ્રા લેતા એમણે પતિને કદી જોયા નહોતા. ભગવાનનું કીર્તન કરવામાં શ્રીગૌરાંગ આખી રાત જાગરણ કરતા હતા. આજે તેમને સૂતેલા જગાડવાનું વિષ્ણુપ્રિયાને યોગ્ય ન લાગ્યું. શ્રીગૌરાંગના દર્શનથી જ વિષ્ણુપ્રિયાને સુખ છે. વિષ્ણુપ્રિયાના ચિત્તમાં ઊંડી ચિંતા હતી, કેમકે એમણે સાંભળી રાખ્યું હતું કે પતિ ઘર છોડીને ચાલ્યા જવાના છે. એ દારુણ સમાચારનું સ્મરણ કરતાંવારજ એમના કોમળ હૃદયને