પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૧
વિષ્ણુપ્રિયા


 ભાગ્યથી મળી છે.” પતિનાં એ વચન સાંભળ્યાથી વિષ્ણુપ્રિયાને કાંઈક આશ્વાસન મળ્યું, છતાં ‘તારી સાથે થોડા દિવસ રહીને સંસાર ચલાવીશ’ એ શબ્દને લીધે તેમના મનનો સંદેહ બિલકુલ દૂર થઈ ગયો નહિ. તેમણે પતિ પાસે એ શબ્દનો સ્પષ્ટ ખુલાસો માગ્યો. આખરે નિરૂપાય થઈને ગૌરાંગને પત્નીને જણાવવું જ પડ્યું કે, “પ્રિયતમે તારાથી હું કોઈ વાત છુપાવવાનો નથી. આ જીવનમાં હું દુઃખ ભોગવવાજ આવ્યો છું. દુઃખ મારા જીવનનો સંગી છે. હું ઘણું રોયો પણ જીવો કૃષણનામ લેતા નથી. તું અને વૃદ્ધમાતા રડશો ત્યારે લોકોનાં હૃદય પીગળશે અને તેઓ પણ હરિનામ લેતાં શીખશે, એટલા માટેજ મેં ઘર છોડવાનો સંકલ્પ કર્યો છે. તારા રોવાથી જીવોનાં પાપ ધોવાઈ જશે. મારા ધર્મકાર્યમાં હું તારી સહાયતા ચાહું છું. સંસારનાં બધાં સુખ છોડીને, તારા જેવી તરુણ, પતિવ્રતા, સુંદર પત્નીને છોડીને, વૃદ્ધ અને પુત્રવત્સલ માતાને છોડીને, પ્રાણથી પણ અધિક વહાલા ભક્તોને છોડીને, કૌપીન ધારણ કરીને, સંન્યાસી વેશમાં દીનદરિદ્રની પેઠે ગામેગામ અને પોળે પોળ ફરીને લોકોને હરિનામ દેવાનો ઉપદેશ નહિ દઉં, ત્યાં લગી જીવોના ઉદ્ધારનું કાર્ય સફળ થશે નહિ. પ્રિયે ! મેં તને મારા જીવનનો ઉદ્દેશ સ્પષ્ટ જણાવી દીધો. મારા શુભ કાર્યમાં અડચણરૂપ થઇશ નહિ. માએ રજા આપી છે. તું પણ રજા આપી તારૂં વિષ્ણુપ્રિયા નામ સાર્થક ક૨.”

એમ છતાં પત્નીને રડતી જોઈને શ્રીગૌરાંગે કહ્યું: “વિષ્ણુપ્રિયા ! તું રડીશ નહિ. ભગવાન તને બળ આપે. તારા આક્રંદનથી જીવોનો ઉદ્ધાર થશે. ભગવાન તારૂં કલ્યાણ કરશે. જીવોનાં દુઃખ જોઈને મારાથી સ્થિર બેસી રહેવાતું નથી. તું મારી સહધર્મિણી છે, મારા આ ધર્મકાર્યમાં સહાયતા આપ.” -

શ્રીમતીએ ગદ્‌ગદ કંઠે કહ્યું “પ્રાણવલ્લભ! હું તમારી દાસી હોવા છતાં તમારા પવિત્ર ચરણની અધિકારી નહિ બનું, એ દુઃખ મરતાં સુધી મારાથી નહિ ભુલાય. તમારી દાસી બનવામાંજ મારું અહોભાગ્ય છે. મારાં કયા પાપને લીધે મારી આવી અધોગતિ કરો છો ?”

શ્રીગૌરાંગે કહ્યું: “તું મને બરોબર સમજી નથી. તારી સાથેનો મારો સઘળો સંબંધ તૂટવાનો નથી. કેવળ બહારનો શારીરિક સંબંધ છે તેજ બંધ પડશે, બાકી બધા સંબંધ કાયમ રહેશે.