પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



સાસુને સામગ્રી આપવામાં રોકાયાં. એ દિવસે અનેક ભક્તોએ તેમને ઘેર ભોજન કર્યું. પછી શ્રીગૌરાંગે આખા નદિયાનગરમાં ઘરે ઘેર ફરીને ભક્તો સાથે પુષ્કળ વાતો કરી અને પહોર રાત ગંગાતટે ભજનોમાં ગાળીને ઘેર પાછા આવ્યા. વાળુ કરીને માતા સાથે ઘરસંસારની અનેક વાતો કરીને શયનગૃહમાં ગયા. વિષ્ણુપ્રિયા દેવીએ પાનની પેટી, ચંદન, ફૂલની માળા આદિ લઈને સહાસ્ય વદને ત્યાં પ્રવેશ કર્યો. શ્રીગૌરાંગે મૃદુ હાસ્યપૂર્વક તેમને આલિંગન આપ્યું. એ રાત્રિએ દંપતીએ ઘણી પ્રેમલીલા કરી. વિષ્ણુપ્રિયાને તો કાંઈ ભાન નહોતું, પણ શ્રીગૌરાંગ તો જાણતા હતા કે, આ મારાં છેલ્લાં લાડ છે. થોડી વાર પછી વિષ્ણુપ્રિયા દેવીને ગાઢ નિદ્રા આવી ગઈ. શ્રીગૌરાંગ એ લાગ જોઈને ધીમેથી ઊઠ્યા. સૂતેલી પ્રિયાનું સૌંદર્યમય મુખ અનિમેષ નેત્રે એક વાર જોયું. તેના વદન ઉપર ધીમેથી અંતિમ ચુંબન કર્યું અને એકદમ કોઈ જાણવા ન પામે એવી રીતે શયનગૃહમાંથી બહાર નીકળી પડ્યા. ત્યાંથી નીકળી આંગણામાં સૂતેલાં માતાને હાથ જોડીને પ્રણામ કર્યા અને જન્મભૂમિને છેલ્લા નમસ્કાર કરી નદિયામાંથી વિદાય લઈ ગંગા નદીમાં તરીને સામે પાર પહોંચ્યા.

થોડી વાર પછી વિષ્ણુપ્રિયાની આંખ ઊઘડી. એમણે જોયું કે ગૌરાંગદેવ પોતાની પાસે નથી. અંધારામાં વધારે ન દેખાયું, પણ જોયું તો કમાડ ઉઘાડાં હતાં. એ એકદમ રોવા લાગ્યાં. તેમણે વિચાર્યું કે, “મશ્કરીમાં મને ગભરાવવા સારૂ કાંઈ સંતાઈ ગયા હશે” ઘરના ચારે ખૂણામાં જોયું, પણ પત્તો લાગ્યો નહિ. હવે એ દુઃખમાં મગ્ન થઈને સાસુની પાસે ગયાં. એ સમાચાર સાંભળતાંવાર સાસુ ઉપર તો જાણે વજ્ર તૂટી પડ્યું. બંને જણાં હાથમાં દીવો લઈને શ્રીગૌરાંગને ખોળવા લાગ્યાં અને ક્યાંય પણ પત્તો ન લાગતાં રોકકળ મચાવી મૂકી. આડોશીપાડોશીઓ જાગીને દોડી આવ્યાં. વિષ્ણુપ્રિયાએ સમયે મૂર્ચ્છા ખાઈને ભૂમિ ઉપર પડ્યાં હતાં.

થોડી વારમાં આખા નગરમાં એ સમાચાર ફેલાઈ ગયા. સાંભળનાર બધાંને દુઃખ થયું. તેમણે આવીને સાસુવહુને દિલાસો આપવા માંડ્યો. વિષ્ણુપ્રિયાની અવસ્થા જોઈને બધાને એમ લાગ્યું કે આ દશા રહી તો એમના દેહમાં પ્રાણ નહિ રહે.

શચિદેવીના બનેવી ચંદ્રશેખર અને શ્રીગૌરાંગના શિષ્યો શ્રીગૌરાંગની શોધમાં ચારે તરફ નીકળી પડ્યા.