પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



પણ એ બિચારીઓ શો ઉત્તર આપે? એમણે તો સખીનાં અશ્રુ ભેગાં પોતાનાં અશ્રુ ભેળવીને સહાનુભૂતિ દર્શાવી.

શચિદેવી પુત્રનાં દર્શન કરવા શાંતિપુર ગયાં. વિષ્ણુપ્રિયાનો આશાપ્રદીપ હજુ હોલવાયો નહોતો. એમણે આશા બાંધી કે, માતા પુત્ર પાસે જઈ સમજાવી-પટાવીને પાછા લાવશે. નાથ ઘરમાં નહિ રહે તો પરવા નહિ. દૂરથી પણ એમનાં દર્શન તો હું કરી શકીશ. મા જરૂર છોકરાને પાછો આણશે. જો એમ નહિ થાય તો હું નદીમાં ડૂબી મરીશ કે વિષપાન કરીશ.” આ પ્રમાણે તેઓ મહાઉદ્વેગમાં સમય ગાળવા લાગ્યાં.

શચિદેવી શાંતિપુર જઈને શ્રીગૌરાંગને મળી આવ્યાં. થોડા દિવસ એ દુઃખને વીસરી ગયાં.

પરંતુ શચિદેવી જ્યારે એકલાં જ ઘેર પાછાં આવ્યાં ત્યારે વિષ્ણુપ્રિયાની બધી આશાઓ ધૂળમાં મળી ગઈ. પુત્રને સંસારમાં પાછો આણવાથી એના ધર્મનો નાશ થશે એ શંકાથી શચિદેવી એમને ઘેર પાછા લાવ્યાં નહોતાં.

શ્રીગૌરાંગદેવ માતાની રજા લઈ ધર્મપ્રચાર કરવા સારૂ બહાર નીકળી પડ્યા. પહેલા જગન્નનાથપુરી ગયા અને ત્યાંથી દક્ષિણમાં નીલગિરિ સુધી જઈને વૃંદાવન આવ્યા. આખા ભારતવર્ષમાં એમણે શિષ્યોદ્વારા ધર્મોપદેશ કર્યો. વૃંદાવનથી કાશી અને પ્રયાગ થઈને જગન્નાથપુરી પાછા આવ્યા. એ યાત્રાઓમાં એમણે ભક્તિ અને પ્રેમનો પ્રવાહ વહેવરાવ્યો. લાખો દુરાચારીઓને સદાચારી અને પરમ ભક્ત બનાવ્યા. બંગાળના શાક્તધર્મીઓમાં પંચ મકારનો પ્રચાર વધી પડ્યો હતો તે દૂર કર્યો અને પોતાના પવિત્ર ચારિત્ર્યથી ભારતવર્ષના હિંદુ, મુસલમાન, ઉચ્ચ-નીચ સર્વને ભગવદ્‌ભક્ત બનાવી દીધા.

નવદ્વીપમાં વિષ્ણુપ્રિયાની દશા ઘણી શોકજનક હતી. એ સર્વદા સાસુની પાસે રહેતાં, રખે સાસુને ઓછું આવે, પુત્રવિરહનું દુઃખ સાંભરી આવે એ શંકાથી એ કદી મોટે સાદે વિલાપ કરતાં નહિ, પરંતુ મનની અંદર જરા પણ શાંતિ નહોતી. શ્રીગૌરાંગના વિરહથી એમનું હૃદય ધગધગ બળતું હતું. એ અગ્નિ કદાપિ શાંત થવાનો નહોતો. હવે એમણે કઠોર બ્રહ્મચર્ય વ્રત પાળવા માડ્યું હતું. સ્વામીના સંન્યાસી વેશનું સ્મરણ કરીને એ ઘણીવાર