પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૭
વિષ્ણુપ્રિયા



અશ્રુધારા પાડતાં અને સ્વામી એ આશ્રમમાં કેવું સાદું, સાત્ત્વિક અને તપશ્ચર્યામય જીવન ગાળતા હશે તેની કલ્પના કરીને પોતે પણ એવું જ જીવન ગાળતાં. એક દિવસ તો એમણે શરીર ઉપરના બધા અલંકાર કાઢી નાખ્યા. અંગ ઉપર ભસ્મ ચોળી સૌભાગ્યની નિશાનીરૂપ બે કંકણ કેવળ રાખ્યાં. સાડી બદલીને ભગવાં વસ્ત્ર ધારણ કર્યાં. એ પ્રમાણે સંન્યાસી શ્રીગૌરાંગદેવનાં પત્ની ઘરમાં રહ્યા છતાં પણ સંન્યાસિની બન્યાં. એમ પણ કહેવાય છે કે સતીએ પતિને પત્ર દ્વારા પુછાવ્યું હતું કે, “આવી અવસ્થામાં મારું શું કર્તવ્ય છે ? મારે શું ખાવું જોઈએ, શુ પીવું જોઈએ વગેરે જણાવજો.” એ પત્રનો શો ઉત્તર મળ્યો તે જાણ્યામાં નથી પણ વિષ્ણુપ્રિયાનું સાદું, સંયમી જીવન કાયમ રહ્યું છે તે નિર્વિવાદ છે. દેવી એ સમયે પૂર્ણ યૌવનમાં હતાં એ વાતનું સ્મરણ કરતાં એમના ત્યાગ અને તપનું મૂલ્ય વધી પડે છે.

પાંચ વર્ષ વીતી ગયાં. સંન્યાસીઓનો નિયમ છે કે એમને એક વાર પોતાની જન્મભૂમિનું દર્શન કરવા જવું પડે છે. શ્રીગૌરાંગદેવને પણ એટલા સારૂ એક વાર નવદ્વીપ જવું પડ્યું. ધર્મ અને સદાચારનો પ્રચાર કરવા સારૂ શ્રીગૌરાંગે સંન્યાસ લીધો હતો. એ જ્યાં જ્યાં ધર્મોપદેશ કરવા જતા ત્યાં ત્યાં હજારો માણસોની ભીડ થતી, તો પછી એ મહાત્મા સ્વદેશમાં પધારે તે દિવસે ભીડનું ઠેકાણું શું હોય ? શચિદેવી અને વિષ્ણુપ્રિયા પણ એ ભીડમાં શ્રીગૌરાંગનાં દર્શન કરવા જઈ રહ્યાં હતાં. બન્નેના હર્ષનો પાર નહોતો. આટલા બધા લોકો પોતાના પ્રાણવલ્લભનાં દર્શન સારૂ જઈ રહ્યા છે એ વિચારથી વિષ્ણુપ્રિયાના ગર્વનો પણ પાર નહોતો. એ ભીડમાં પતિને જોતાંવારજ તેમના ચરણમાં પડીને દેવી રોતે રોતે કહેવા લાગ્યાં: “હે નાથ ! તમે દીનવત્સલ છો ! હું તમારી દુઃખી ભાર્યા છું. ઘણી અધીરી થઈ ગઈ છું. મને દુઃખસાગરમાં ધકેલીને ગૃહત્યાગ કરવો એ તમને છાજતું નથી, તમારી પ્રતિજ્ઞા છે કે જો કોઈ તમારું ભજન કરે તેનો તમે ત્યાગ કરતા નથી, એ પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને આ દાસીનો ત્યાગ કરી ચાલ્યા જશો નહિ. એક વાર જે તમારે શરણે આવે છે, અને તમે સદાને માટે અભયદાન આપો છો. તો પછી આ દાસીનો ત્યાગ શા સારૂ કર્યો? તમેજ લોકોને ઉપદેશ આપો છો કે સ્ત્રીની સહિત ધર્માચરણ કરવું જોઈએ, સંકડો ઉપાયો વડે પણ ભાર્યાનું