પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



ભરણપોષણ કરવું જોઈએ; તો પછી એ બધાં શાસ્ત્રવાક્યો દાસીના પ્રસંગમાંજ ઊલટાં શા સારૂ થયાં? પ્રાણવલ્લભ ! આ અભાગણીને સાથે લઈ જાઓ, આ સૂના ઘરમાં સહચારિણી ભાર્યાને છોડીને ક્યાં જશો ? જે અંગને હું અગરૂચંદન વગેરે સુગધી પદાર્થના લેપ કરતી હતી તે આજે ધૂળમાં રગદોળાયું છે. તમે યોગીજનોમાં પણ દુર્લભ છો. આ દાસી કેટલા બધા પુણ્યના પ્રતાપે તમને પામી છે ! મેં પિતાજી તથા વેદ જાણનારા બ્રાહ્મણને મુખે સાંભળ્યું છે કે, જે સ્ત્રી સ્વામીને પ્રિય છે, તે સ્વર્ગમાં પણ બધાને પ્રિય થઈ પડે છે. સાધ્વી સ્ત્રીઓને પતિજ પરમ દેવતા છે અને ઐહિક તથા પારલૌકિક બાબતોમાં એકમાત્ર ગુરુ છે. દુષ્ટ સ્વભાવવાળી અસતી સ્ત્રીઓ એ તત્ત્વને જાણી શકતી નથી. સ્વામીની ચરણસેવા સિવાય સ્ત્રીઓનો બીજો કોઈ ધર્મ નથી, કર્મ નથી, ત્યાગ, યજ્ઞ, શ્રાદ્ધ, ક્રિયા, ઉપવાસ વગેરે કાંઈ નથી. સ્વામી સેવાજ તેમનો પરમ ધર્મ છે. પતિસેવા વગર બીજી કોઈ તપસ્યા નથી. સાવિત્રી અને અરુંધતી નારીઓમાં શ્રેષ્ઠ હોવા છતાં પણ પતિને દેવતા સમજ્યાથી જ સ્વર્ગસુખને પામી છે. ચંદ્રપત્ની રોહિણી ચંદ્ર વગર એક ક્ષણ પણ રહી શકતી નથી; જનકનંદિની સીતા પતિની સાથે વનમાં ગઈ હતી. રામચંદ્ર તેમને સાથે લઈને વનમાં ગયા હતા. જે સ્ત્રીનો પતિ ત્યાગ કરે તેનાં બધાં સુખનો નાશ થઈ જાય છે. તેના જેવી અભાગણી સ્ત્રી ત્રણે લોકમાં કોઈ નથી. પતિજ સ્ત્રીની એકમાત્ર ગતિ છે. નાથ ! મારી શી ગતિ થશે? મારો ત્યાગ કરશો તો હું આ જીવન ટકાવી શકીશ નહિ.”

શ્રીગૌરાંગે ઉત્તર આપ્યો “પ્રિયતમા વિષ્ણુપ્રિયા ! હું તારોજ છું. આ જગતમાં જે વિષ્ણુને પ્રિય છે તેજ મને પણ પ્રિય છે. તું તો સાક્ષાત્ વિષ્ણુપ્રિયા છે. તું ખાતરી રાખજે કે તારામાં અને મારામાં જરાયે ભેદ નથી. આગ અને અંગારો જેમ એકજ છે, તેમ તારામાં અને મારામાં પણ અભેદભાવ છે. કેવળ લોકશિક્ષાની ખાતરજ મેં સંન્યાસ લીધો છે, એ વાત ખરી સમજજે. તું નિશ્ચય જાણજે કે નવદ્વીપનો ત્યાગ કરીને હું ક્યાંય જનાર નથી, સર્વદા તારી પાસે જ રહીશ. જેવી રીતે વૃંદાવન ધામનો પરિત્યાગ કરીને શ્રીકૃષ્ણ ક્યાંય પણ જતા નથી, તેવી જ રીતે હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે નવદ્વીપ છોડીને હું