પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૯
વિષ્ણુપ્રિયા



ક્યાંય જઈશ નહિ; પ્રેમપૂર્વક જે સમયે તું મને બોલાવીશ, તેજ સમયે હું તને દેખાવ દઈશ. વિષ્ણુપ્રિયા ! તારી પતિભક્તિથી પ્રસન્ન થઈ હું તને મારી પાવડીઓ પ્રેમપૂર્વક ભેટ આપું છું. તું એના વડે મારા વિરહનું દુઃખ ભૂલી જજે. તું મારી મૂર્તિ બનાવીને નવદ્વીપમાં સ્થાપીને એની પૂજા તેમજ સેવા કરજે, એથી તને આનંદ થશે.”

શ્રીમતી વિષ્ણુપ્રિયાએ પતિએ આપેલી પાદુકાઓને ઘણા આદર સહિત ભક્તિપૂર્વક પ્રથમ પોતાના મસ્તક ઉપર ધારણ કરી. પછી મસ્તક ઉપરથી ઉતારી છાતીસરસી ચાંપી અને છેવટે એને સેંકડો ચુંબન કરીને કૃતાર્થતા અનુભવી.

પુણ્યાત્મા દંપતીનો આ છેલ્લો મેળાપ હતો. નિમાઈ ગૌરાંગ વિદાય થયા. દેવી વિષ્ણુપ્રિયા પતિની પાદુકાથી પ્રસન્ન થઈ એનીજ પૂજામાં નિમગ્ન થયાં.

પતિના વિદાય થયા પછી વિષ્ણુપ્રિયા દેવીએ જે તપસ્યા આરંભી તે ખરેખર આપણા હૃદયમાં તેમને માટે ભક્તિ ઉત્પન્ન કરે એવી છે. એમનો આહાર નામમાત્રનો થઈ ગયો હતો. એ સવારના પહોરમાં થોડાક ચોખાની ઢગલી કરી રાખતાં અને પછી નાહીધોઈને માળા લઈને ભજન કરવા બેસતાં. બત્રીસ અક્ષરનો ભગવાનના નામનો જપ સોળ વાર જપીને ચોખાનો એક દાણો ઢગલીમાંથી આઘો મૂકતાં. એ પ્રમાણે સાંજ સુધી જપ કરતાં, જેટલા ચોખા એકઠા થાય તેને રાંધીને શાલીગ્રામને નૈવેદ્ય ધરાવીને આસપાસના ગરીબોને એમાંથી જમાડીને પછી જે બચતું તે પોતે ખાતાં. મૂળ તો ચોખા ઘણાં થોડા એકઠા થતા, તેમાંથી પ્રસાદ લેવાને ઘણા ભક્તો આતુર રહેતા; એમને વહેંચતાં બચેલા નામમાત્રના આહારથીજ એમના ક્ષીણ દેહનું પોષણ થતું હતું. તેમની આ કઠો૨ તપસ્યા જોઈને ભક્તોને ઘણું લાગી આવતું અને ભક્તજનોની પત્નીઓ એમની પાસે આવીને એમની તીવ્ર તપસ્યા જોઈ દયા આણતી; પણ દેવીને તો પતિના નામની આરાધના કરીને સાદું જીવન ગાળવામાંજ આનંદ આવતો હતો. રાતદિવસ એમને પતિના વૈરાગ્યની અને અરણ્યવાસમાં એમને વેઠવાં પડતાં દુઃખની કલ્પના આવતી. અબળા હોવાથી પોતે ઘરબાર છોડીને વનમાં વસી શકે એમ ન હતું; એટલે પતિના દુઃખનું સ્મરણ