પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

६०-बहुबेगम

મહમદશાહ બાદશાહની પુત્રી અને અવધના બાદશાહ સુજાઉદ્દ્દોલાની પત્ની હતી. સુજાઉદ્દ્દૌલા તેનું ઘણું માન રાખતા હતા. સુજાઉદૃદોલા ઘણો ઉડાઉ રાજા હતો. એક વખતે તેને નાણાની ભીડ પડી ત્યારે બેગમ પાસે મદદ માગી, બેગમે એ વખતે ૩૪ લાખ રૂપિયા રોકડા અને ૩૬ લાખના કિંમતી દાગીના પોતાના સંગ્રહમાંથી આપ્યા. એ વૈભવના દિવસોમાં દસ હજાર પ્યાદા અને સવાર તથા સેંકડો હાથીઘોડા બેગમના તાબામાં રહેતા હતા. એક લાખ કરતાં વધારે મનુષ્યનું બેગમદ્વારા પાલનપોષણ થતું હતું. બેગમ પોતાના સર્વ નોકરો ઉપર માતા જેવો સ્નેહ રાખતી હતી. સુજાઉદ્દ્દોલાના મૃત્યુ પછી બહુ બેગમનો પુત્ર આસફઉદ્‌દૌલા ગાદીએ બેઠો; પરંતુ તેનો રાજયપ્રબંધ સારો નહોતો. આસફઉદ્‌દૌલાનું મૃત્યુ થયા પછી બહુબેગમે રાજ્યની લગામ પોતાના હાથમાં લીધી અને પોતાના વિશ્વાસુ અમલદાર દારાબઅલીખાંની મદદથી રાજ્યમાં સુખશાંતિ પ્રસરાવી. બહુ બેગમને શંકા હતી કે, તેનો સાવકો પુત્ર યમીનઉદ્દ્દૌલા તેના મૃત્યુ પછી કાંઈ ઉપદ્રવ મચાવશે, તેટલા સારૂ તેણે એક વસિયતનામું કરીને અંગ્રેજ સરકારને સોંપ્યું હતું. એ વસિયતનામામાં તેણે ત્રણ લાખ રૂપિયા એક કબર બંધાવવા તથા એક લાખ રૂપિયા ધાર્મિક ક્રિયાઓ સારૂ જુદા કાઢ્યા હતા તથા બાર હજાર રૂપિયાની વાર્ષિક આવકવાળી જાગીર પોતાની કબર પર કુરાનેશરીફ વાંચનારાઓને માટે આપી હતી. એ મકબરો તેના મૃત્યુ પછી દારાબઅલીખાંએ બંધાવવો શરૂ કર્યો હતો, પણ હજુ સુધી પૂરો થવા પામ્યો નથી. તેની અંતિમ ઈચ્છા પ્રમાણે એ મકબરો બાંધવામાં આવ્યો હોત, તો હિંદુસ્તાનમાં જોવાલાયક એક સુંદર સ્થાનની વૃદ્ધિ થાત.