પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

६१-अहल्याबाई

રાઠા રાજ્યમાં જ્યારે પેશ્વાઓ શક્તિશાળી થયા હતા, ત્યારે ગુજરાતથી ઉડ્ડિસા પર્યંત સમસ્ત મધ્યભારતમાં મરાઠા રાજ્ય વિસ્તાર પામ્યું હતું, એ વાત અમે આગળ જણાવી ગયા છીએ. એ રાજ્યની પશ્ચિમ સીમાએ, આપણા ગુજરાત પ્રાંતમાં વડોદરામાં પિલાજી ગાયકવાડે અને પૂર્વ દિશામાં મધ્ય પ્રાંતમાં આવેલા નાગપુર જિલ્લામાં રાણોજી ભોંસલેએ પોતપોતાનાં જુદાં રાજ્ય સ્થાપ્યાં હતાં. એ બે પ્રબળ મરાઠા સરદારો પ્રથમ તો પેશ્વાના હરીફ હતા, પણ પછીથી એમને પેશ્વાનું ઉપરીપણું સ્વીકારવું પડ્યું હતું.

વડોદરા અને નાગપુરની વચમાંના પ્રદેશમાં બીજો પેશ્વા બાજીરાવ રાજ્ય કરતો હતો. મલ્હારરાવ હોલ્કર અને રાણોજી સિંધિયા નામના તેના બે વિશ્વાસુ સેનાપતિ હતા. બાજીરાવે પોતાના અધિકારમાંના વિશાળ રાજ્યમાં પશ્ચિમ ભાગ-ઈંદો૨નો પ્રદેશ મલ્હારરાવ હોલ્કરને અને પૂર્વ ભાગ-ગ્વાલિયરનો પ્રદેશ રાણોજી સિંધિયાને બક્ષિસ આપ્યા. બાજીરાવના તાબામાં રહીને એ બે સરદારો પોત પોતાના પ્રદેશ ઉપર રાજ્ય કરવા લાગ્યા અને એ રાજ્યની આવકમાંથીજ પોતાના સૈન્યનું ખર્ચ પણ નિભાવવા લાગ્યા.

આથી હવે મરાઠા રાજ્યના પાંચ ભાગ થઈ ગયા. દક્ષિણ ભારતના પશ્ચિમી અખાતવાળો આદિ મરાઠા દેશ પેશ્વાના હાથમાં રહ્યો. કેવળ કોલ્હાપુર અને સતારા શિવાજી મહારાજના બે વંશજોના હાથમાં હતાં અને ગુજરાતથી ઉડ્ડિસા સુધીનો મુલક વડોદરા, ઇંદોર, ગ્વાલિયર અને નાગપુર એ પ્રમાણે ચાર રાજ્યમાં વહેચાઈ ગયો હતો.

પેશ્વા બાજીરાવ અને બાલાજી બાજીરાવની સત્તા દરમિયાન વડોદરામાં દામાજીરાવ ગાયકવાડ, ઇંદોરમાં મલ્હારરાવ હોલ્કર,