પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૩
અહલ્યાબાઈ



ગ્વાલિયરમાં રાણોજી સિંધિયા અને નાગપુરમાં રાઘોજી ભોંસલે રાજ્ય કરતા હતા. એ સઘળા પેશ્વાને સર્વોપરી માનતા હતા ખરા, પણ સૌ પોતપોતાના રાજ્યમાં સ્વતંત્ર રાજા પેઠે રાજ્ય કરતા. બધાની પાસે જંગી સૈન્ય હતું. એ સૈન્ય લઈને બધા રાજય પોતપોતાની મરજી પ્રમાણે જરૂર પડ્યે યુદ્ધ કરતા.

મોગલ સામ્રાજ્ય શક્તિહીન થતું જતું હતું. તેને તોડી નાખીને તેને સ્થાને ભારતવર્ષમાં મરાઠા રાજ્યની સ્થાપના કરવાનો ઉચ્ચ સંકલ્પ બાજીરાવના મનમાં ઉત્પન્ન થયો હતો. આથી એ સંકલ્પની સિદ્ધિને માટે, તેણે પોતાના સેનાપતિઓને ચારે તરફ વિજય કરવા માટે મોકલવાનો આરંભ કર્યો. મધ્યભારત મરાઠાઓના કબજામાં આવ્યું અને ઉત્તર ભારતના ઘણા રાજાઓ મરાઠાને ખંડણી આપવા લાગ્યા. બાજીરાવના મૃત્યુ પછી તેનો પુત્ર ત્રીજો પેશ્વા બાલાજી બાજીરાવ પણ પિતાના બતાવેલા માર્ગે ચાલ્યો. મરાઠા રાજાઓ અને સેનાપતિઓ આખા ઉત્તર ભારતમાં ફેલાઈ ગયા. પેશ્વાના ભાઈ રાઘોજીએ એક વખત દિલ્હી સુધી પોતાનો અધિકાર જમાવીને બાદશાહને પોતાની ઈચ્છા મુજબ રાજ્ય કરવાની ફરજ પાડી અને પંજાબ જીતી લઈને ત્યાં એક મરાઠા શાસનકર્તા નીમ્યો.

આ બે વર્ષમાં પેશ્વાના પિતરાઈ ભાઈ અને મુખ્ય સેનાપતિ સદાશિવરાવ ભાઉએ પેશ્વાના પુત્ર વિશ્વાસ રાવને લઈને દિલ્હીનો કબજો લીધો તેમજ એ શહેરને લૂંટ્યું. વિશ્વાસરાવને ભારતનો શહેનશાહ બનાવવાનો તેણે મનમાં વિચાર કર્યો હતો, પણ તેની વિરુદ્ધમાં એક પ્રબળ શત્રુ હતો. આથી તેનું દમન કર્યા વગર, એને રાજા તરીકે બહાર પાડવાનું કામ એણે મુલતવી રાખ્યું.

એ પ્રબળ શત્રુ બીજો કઈ નહિ પણુ અફઘાનરાજ અહમદશાહ દુરાની હતો. એ અતિશય પરાક્રમી હતો અને છ વખત હિંદુસ્તાન ઉપર ચડાઈ કરીને તેણે દિલ્હી અને આસપાસના પ્રદેશ લૂંટ્યો હતો. મરાઠાઓની સાથે પણ કદી કદી એને ખટપટ થતી.

મોગલ સામ્રાજ્યમાં તો એ વખતે કાંઈ પાણી નહોતું, એમ કહીએ તો ચાલે. તેના તાબાના જુદા જુદા પ્રાંતના સૂબાઓ પોતપોતાના પ્રાંતના રાજા થઈ પડ્યા હતા. હિંદુસ્તાનના મુસલમાન સૂબાઓ અને રાજાઓ મરાઠાના ભયથી અત્યંત બીતા હતા. એ લોકો જોતા હતા કે, ભારતમાં મુસલમાન કે મોગલોના