પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 રાજ્યને ઠેકાણે મરાઠાઓનું રાજ્ય સ્થપાતું જાય છે.

હમણાં તો તેઓ મરાઠાઓને ફક્ત ખંડણીજ ભરતા હતા; પણ તેઓ જો દિલ્હીનું સામ્રાજ્ય પોતાના હાથમાં લે, તો પછી એ લોકોને સર્વ પ્રકારે એમના તાબેદા૨ થઈને રહેવું પડશે, એ ભયથી મરાઠાઓની શક્તિ તોડી પાડવા માટે, એ લોકો બધા સંપ કરીને પરાક્રમી અહમદશાહ દુરાનીને મળી ગયા.

ઈ. સ. ૧૭૫૧ માં દિલ્હીની પાસે પાણીપતના મેદાનમાં મરાઠા અને મુસલમાન વચ્ચે ભયંકર યુદ્ધ થયું, જેમાં મરાઠાઓની હાર થઈ. સદાશિવ અને વિશ્વાસરાવ માર્યા ગયા.

ત્યાર પછી મરાઠાઓની શક્તિ ઘણી દુર્બળ થઈ ગઈ. પેશ્વા બાલાજી બાજીરાવે નિરાશ હૃદયે પ્રાણત્યાગ કર્યો. બીજા મરાઠા રાજાઓ ઉપર પેશ્વાનું ઉપરીપણું નામનુંજ રહી ગયું. મરાઠા સામ્રાજ્ય પાંચ જુદાં જુદાં રાજ્યમાં વહેંચાઈ ગયું.

એ યુદ્ધ પછી મુસલમાનોનો સંપ પાછો ઢીલો પડી ગયો. ઉત્તર હિંદુસ્તાનમાં પણ ભિન્ન ભિન્ન રાજ્ય સ્થપાયાં. દિલ્હીના બાદશાહનું ઉપરીપણું ફક્ત નામનું જ રહી ગયું.

ઇંદોરના રાજા મલ્હારરાવ હોલ્કરની કથા આગળ કહી ગયા છીએ. એ હોલ નામના એક નાના ગામના સાધારણ ભરવાડ હતા. હોલ ગામના નામ ઉપરથી એ હોલ્કર કહેવાય છે.

મલ્હારરાવની ચારપાંચ વર્ષની ઉંમરમાં એમના પિતા કુંદજીનું મૃત્યુ થયું. એમના મૃત્યુ પછી એમનાં સગાંવહાલાંએ એમની નિરાધાર વિધવાને ઘણું દુઃખ દેવા માંડ્યું. એ એકલી પોતાના બાળકને લઈને પોતાના ભાઈ નારાયણજીની પાસે ચાલી ગઈ. એ વખતે નારાયણજી ખાનદેશમાં ટાલાંદા નામના એક ગામમાં રહેતા હતા. ત્યાં એમની થોડીક જમીન હતી અને કોઈ મરાઠા સરદારને ત્યાં ઘોડેસવારના નાયકનું કામ કરતા હતા. પોતાની જાતિના રિવાજ મુજબ એમણે ભાણેજને પશુઓને ચરાવવાના કામમાં નિયુક્ત કર્યો.

દંતકથા એવી છે કે, એક સમયે બાળક મલ્હારરાવ એક વૃક્ષ નીચે સૂઈ રહ્યા હતા. સૂર્યનાં કિરણો તેના ઉપર પ્રકાશ નાખી રહ્યાં હતાં. એવામાં એક ઝેરી સાપ ત્યાં આવ્યો અને પોતાની ફણાની છાયા બાળકના મોં ઉપર કરવા લાગ્યો. મલ્હારરાવની