પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



તેઓ તો સ્વામીને શ્રદ્ધા, આદર પ્રેમ તથા ભક્તિ ભાવથી જોતાં.

મલ્હારરાવનો પણ પુત્રવધૂ ઉપર એટલો બધો વાત્સલ્યભાવ હતો કે, ગમે તેટલા રાજકાજમાં ગુંથાયલા હોય અને ગમે તેટલા ગુસ્સે થયેલા હોય, ભલભલા સરદારો અને અમલદારો પણ જે સમયે એમની સમક્ષ જવાની હિંમત ન ધરતા હોય, તે સમયે પણ અહલ્યાબાઈ કાંઈ સંદેશો કહાવે, તો તરતજ મલ્હારરાવ એમનું કામ પ્રસન્નચિત્તે કરતા. અહલ્યાબાઈ આખો દિવસ અને પહોર રાત સુધી સાસુસસરાની સેવા અને ઘરકામની દેખરેખમાં ગાળીને રાત્રે શયનગૃહમાં પતિસેવામાં દૃઢચિત્ત થતાં. પ્રાતઃકાળે પોહ ફાટતાંજ શય્યામાંથી ઊઠીને, શૌચાદિ નિત્યકર્મથી પરવારીને ઈશ્વરપૂજનમાં પ્રવૃત્ત થતાં. ત્યાર પછી કથા સાંભળીને દાનધર્મ કરતાં અને પાછા ઘરકામમાં ગૂંથાતાં. એમણે પોતાના યૌવનકાળને ભોગવિલાસમાં કદી પણ ગુમાવ્યો નહોતો. પરમાત્માની કૃપાથી ઈ. સ. ૧૭૪૫ માં દેપાલપુર ગામમાં દેવી અહલ્યાને એક પુત્ર અવતર્યો. એનું નામ માલેરાવ પાડ્યું. ત્રણ વર્ષ પછી એમને એક પુત્રી સાંપડી, જેનું નામ મુક્તાબાઈ હતું.

મલ્હારરાવે જ્યારે જોયું કે, પુત્રવધૂએ પોતાના કુળના આચારવિચા૨ બરોબર ગ્રહણ કરી લીધા છે અને ઘરસંસારનું બધું કામકાજ ઉમંગથી દક્ષતાપૂર્વક કરી રહ્યાં છે; ત્યારે એમના ચિત્ત ઉપર ઘણી સારી અસર થઈ અને તેઓ પણ પ્રસન્નતાપૂર્વક રાજમહેલનાં અનેક કાર્યો એમને સોંપવા લાગ્યાં. પત્નીની સેવા, પ્રેમ તથા ગૃહ–કાર્યકુશળતા જોઈને ખંડેરાવ પણ ઘણો પ્રસન્ન થયો અને પત્નીને માટે તેને લાગણી તથા સન્માન વૃત્તિ ઉત્પન્ન થઈ. અહલ્યાબાઈએ એ અનુકૂળતાનો લાભ લઈને, પતિને પુરાણની કથાઓ તથા લૌકિક દૃષ્ટાંતો દ્વારા નીતિની વાતો સમજાવવાનું શરૂ કર્યું. એનો પ્રભાવ ધીમે ધીમે એવો પડ્યો કે, ખંડેરાવના અનેક દુર્ગુણ ચાલ્યા ગયા અને એ પોતાના પૂજ્ય પિતાની આજ્ઞાપાલનમાં દૃઢતા બતાવવા લાગ્યો. એણે ધીમે ધીમે રાજકાજમાં પણ ભાગ લેવા માંડ્યો. મલ્હારરાવને લાગ્યું કે, પુત્રને અહલ્યા સાથે પરણાવવાનો પોતાનો શુભ ઉદ્દેશ આજે સફળ થયો છે. એ અહલ્યાબાઈની ઘણીજ પ્રશંસા કરવા લાગ્યા તથા એમને સૂચવ્યું કે, “ખંડેરાવ રાજકાજમાં તો