પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


છે. હવે હું તારી માલિક છું. અમારા કુળમાં ઉત્તમોત્તમ પટકુળ પહેરવાનાં મળશે, પાન ખાવાને મળશે, ભાત ભાતનાં સ્વાદિષ્ટ ભોજન આરોગવાને મળશે. અમારા જેવાં ભોજન તો રાજાના મહેલમાં પણ મળતાં નથી.” વસુમતીને હવે ખાતરી થઈ કે, આ તો પોતાના અને બીજી નારીઓના રૂપનોજ વેપાર કરનારી વેશ્યા છે. ગમે તે થાય તે પણ વેશ્યાની સાથે નહિ જવાનો એણે નિશ્ચય કર્યો. વેશ્યાએ તેના ઉપર જોરજુલમ કરવા માંડ્યો, ત્યારે વસુમતીએ એકાગ્રચિત્તે પ્રભુની પ્રાર્થના કરી અને તેની સહાયતા માગી. સત્ય હોય, શુદ્ધ એકાગ્રચિત્તે પ્રાર્થના થઈ હોય તો પ્રભુ જરૂર વહારે ધાય છે; જેતજોતામાં એક બાણ આવ્યું અને તેનાથી વેશ્યાનું નાક ઉડી ગયું. એની એ સ્થિતિ જોઈને બીજી વેશ્યાઓ પણ ડરી અને એ વેશ્યાને લઈ ત્યાંથી ચાલી ગઈ. સુભટ તેને બીજા બજારમાં લઈ ગયો, ત્યાં ધનાવહ શેઠે તેને દાસી તરીકે ખરીદવાની ઈચ્છા જણાવી. ધનાવહ શેઠને ત્યાં જે કામ કરવાનાં હતાં તે શુદ્ધ અને જૈનધર્મને અનુસરતાં હોવાથી વસુમતીએ તેને ઘેર જવાનું પસંદ કર્યું.

વસુમતી શેઠની સાથે ઘેર ગઈ. શેઠે તેને પોતાની પત્નીને સોંપીને કહ્યું કે, “આનું કાળજીપૂર્વક પાલન કરજે.” શેઠની પત્ની મૂળા વહેમી સ્વભાવની હતી. એને શંકા થઇ કે હું વૃદ્ધ થવા આવી છું અને આ સુંદરી પરમ યુવતી છે. તે દહાડે શેઠની દાનત બગડશે અને એ એની સાથે વરશે તો મારી બહુ દુર્દશા થશે.

એક દિવસ મૂળા બહાર ગઈ હતી. ચંદનબાળા શેઠને પિતારૂપ ગણીને તેમના પગ ધોઈ રહી હતી. ધોતાં ધોતાં એની વેણી ભોંય પર પડી, તે શેઠે પોતાના હાથમાં લીધી. એવામાં મૂળા શેઠાણી ત્યાં આવી પહોચ્યાં, એની શંકા દૃઢ થઈ. આ વસુમતીરૂપ સાલને ઊગતાંજ છેદવું એ એણે નિશ્ચય કર્યો.

બીજે દિવસે શેઠની ગેરહાજરીમાં મૂળાએ હજામને બોલાવી વસુમતીનું મસ્તક બોડાવી નાખ્યું અને પગમાં બેડી નાખીને તેને ભોંયરામાં પૂરી દીધી. શેઠે બહારથી આવીને પૂછ્યું કે, “ચંદનબાળા ક્યાં ગઈ ?” તે જણાવ્યું કે, “એ રમતિયાળ છોકરી છે. ગમે ત્યાં ચાલી ગઈ છે. હશે, ચાલો, એ ગઈ તો બલા ગઈ; નહિ તો એવી સ્વરૂપવતી છોકરીને આપણે ઘેર રાખ્યાથી કોઈ દિવસ કલંક લાગત.”