પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



રાજ્ય મારા સસરાજીએ પોતાની શક્તિથી મેળવ્યું છે અને પોતાના જ બાહુબળથી તેનું રક્ષણ કર્યું છે. પેશ્વાએ જેમ કોઇ વગર મહેનતે બ્રાહ્મણને દાન આપી દે, તેમ કાંઈ મારા સસરાને દાનમાં આપ્યું નથી. મારા સસરા પેશ્વાને પોતાના માલિક માનતા અને હું પણ તેમને એવુંજ માન આપવા તૈયાર છું; પણ એટલા સારૂ કાંઈ મારા હાથમાંથી આ રાજ્ય છીનવી લેવાનો અધિકાર તેમને નથી. હું દુર્બળ સ્ત્રી છું, એમ ધારીને મારા પ્રપંચી, કૃતઘ્ની નોકરની મદદથી રઘુનાથરાવ મારૂં રાજ્ય છીનવી લેવાની ઈચ્છા રાખે છે, પણ એમણે પોતાના મનમાં સારી પેઠે સમજી રાખવું જોઈએ કે, અહલ્યાબાઈ કોઈ સાધારણ સ્ત્રી નથી. હું મલ્હારરાવની પુત્રવધૂ અને ઈંદોરની રાણી છું. પોતાની શક્તિથી ઇંદોરના રાજ્યનું રક્ષણ ન કરી શકું, તો મલ્હારરાવ જેવા પ્રવીણ રાજા પાસે રાજ્યશાસનનું જે શિક્ષણ મેં મેળવ્યું છે તે મિથ્યા જાય. એમના આ રાજ્યસિંહાસન ઉપર મારૂં બેસવું મિથ્યા થાય. આ રાજ્યનું રક્ષણ કરવું, એ તો ઘણી સહેલી વાત છે. હું હાથમાં હથિયાર લઈને યુદ્ધ કરવા નીકળીશ, તો પેશ્વાના રાજ્યસિંહાસનને પણ કંપાવી નાખીશ. તમે લોકો આવા પ્રપંચથી જરા પણ બીશો નહિ. સાહસ અને ઉત્સાહપૂર્વક બધા મને મદદ કરજો. ખુદ બાજીરાવ મહારાજ પણ ઇંદોરનું અપમાન નહોતા કરી શકતા, તો આ રઘુનાથરાવ તે મારે શા હિસાબમાં ?”

અમલદારોએ એક અવાજે પ્રતિજ્ઞા લીધી કે, “અમે તમારા તરફથી પેશ્વાની સામે લડીશું.”

પરંતુ બુદ્ધિમતી અહલ્યા, ફક્ત પોતાના સૈન્યને ભરોસેજ રહી નહિ. એણે વડોદરાના ગાયકવાડ, નાગપુરના ભોંસલે અને બીજા મરાઠા સામંતો તથા સરદારોની પાસે મદદ માગી. તેમના ઉપર તેમણે પત્ર લખ્યો:—

“પેશ્વાની સાથે આપણા બધાને એક સરખો સંબંધ છે, આપણે તેમને તાબે છીએ ખરા, પણ અન્યાયપૂર્વક આપણું રાજ્ય છીનવી લેવાનો તેમને અધિકાર નથી. આજે મારા ઉપર જે આફત આવી પડી છે, તે કાલે તમારા પર પણ આવી પડે. આ પ્રસંગે પરસ્પર સહાય કરીને, આપણો વાજબી હક્ક સાચવી રાખવો, એ આપણે બધાની ફરજ છે. આશા છે કે, આ