પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



બળવાન શત્રુ સાથે લડવા જેટલી તૈયારી કરી રાખવી, છતાં બને ત્યાંસુધી યુદ્ધ રોકવાનો યત્ન કરવો, એજ ઊંચા પ્રકારની રાજનીતિ–કુશળતા છે. પશ્ચિમની સભ્ય અને બળવાન પ્રજાઓ આજે એ યુક્તિને લીધે, ઘણી વાર માંહોમાંહે લોહીની નદીઓ વહેવરાવતાં રોકે છે. આપણા દેશમાં, ઘણાં વર્ષો પૂર્વે રાજનીતિજ્ઞ અહલ્યાબાઈએ એજ યુક્તિ વાપરીને હજારો સૈનિકોના પ્રાણ બચાવ્યા હતા.

અહલ્યાબાઈ પત્ર મોકલીને જવાબની વાટ જોવા લાગી. એ જાણતી હતી કે, રઘુનાથરાવને જ્યાં સુધી એને ખાતરી નહિ થાય કે સામા પક્ષના લશ્કરની સંખ્યા આગળ આપણું કાંઈ વળે એમ નથી, ત્યાં સુધી એ પોતાનો મનસૂબો ફેરવશે નહિ. અહલ્યાબાઈ પણ ઘણા ઉત્સાહપૂર્વક લશ્કર એકઠું કરવા લાગી.

થોડા દિવસ પછી પેશ્વાનો જવાબ આવ્યો કે, “રઘુનાથરાવના આ ગેરવાજબી યુદ્ધમાં અમારી મંજૂરી નથી. અહલ્યાબાઈએ મલ્હારરાવની ગાદી સંભાળી લીધી છે, તેમાં અમારે કોઈ જાતનો વાંધો નથી; એટલે અમે કદી પણ અહલ્યાબાઈનું રાજ્ય છીનવી લેવાનો વિચાર રાખતા નથી. જે કોઇ અન્યાયપૂર્વક અહલ્યાબાઈનું રાજય છીનવી લેવા તૈયાર થાય, તેને અહલ્યાબાઈ મરજી મુજબ સજા કરી શકે એમ છે. પેશ્વાને એથી જરા પણ માઠું લાગશે નહિ.”

પેશ્વા તરફથી આવો ઉત્તર આવ્યાથી, અહલ્યાબાઈનો ઉત્સાહ સોગણો વધી ગયો. અમલદારો પણ સમજ્યા કે, આ યુદ્ધમાં પેશ્વા મહારાજનો બિલકુલ હાથ નથી, એટલે તેઓ પણ વગર સંકોચે, સંપૂર્ણ ઈચ્છાથી અહલ્યાબાઈને મદદ કરવા તૈયાર થયા.

તુકોજીની સરદારી નીચે અહલ્યાબાઇનું સઘળું લશ્કર સજ્જ થઈ ગયું. અહલ્યાબાઈ પોતે ૫ણ યુદ્ધનો પોશાક સજીને, કોમળ કરકમળમાં તલવાર લઈને, હાથી ઉપર સવાર થઈ અને સૈન્યની સાથે ચાલી.

સૈન્ય સાથે અહલ્યાબાઈ અને તુકોજીએ ક્ષીપ્રા નદીની પાસે આવીને છાવણી નાખી. અહલ્યાબાઈને મદદ કરવા સારૂ બીજા રાજાઓ પણ પોતપોતાનાં લશ્કર લઈને આવ્યા.

રઘુનાથરાવ ક્ષીપ્રા નદીને સામે કિનારે, અહલ્યાબાઈની