પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૯
અહલ્યાબાઈ


 યુદ્ધ માટેની આવી ગંજાવર તૈયારી જોઈને સ્તંભિત થઈ ગયો. અત્યાર સુધી તો એ અહલ્યાબાઈના પત્રને ખાલી આડંબર અને ધમકીરૂપ સમજતો હતો. આટલા થોડા સમયમાં, આટલા બધા લશ્કર સાથે અહલ્યાબાઈ એની સાથે લડવા આવશે, એવો એને સ્વપ્ને પણ વિચાર નહોતો આવ્યો.

પરાજયની શંકામાં તેને પોતાની સઘળી દુરાશાઓ છોડી દેવાની ફરજ પડી. તુકોજીને તેણે ખબર મોકલી કે, “હું યુદ્ધ કરવા માટે આવ્યો નથી. પુત્ર–શોકાતુર અહલ્યાબાઈને દિલાસો આપવા આવ્યો છું. તમે આટલું બધું સૈન્ય શું કામ નાહક સજાવી રાખ્યું છે ?”

તુકોજીએ ઉત્તર મોકલ્યો: “માતાજી પ્રત્યે આપની આટલી બધી કૃપા છે, તેને માટે અમે ઉપકૃત છીએ, પણ દિલાસો આપવા આપ પધાર્યા છો, તો સાથે આટલું મોટું સૈન્ય લાવવાની આપને શી જરૂર હતી ?”

પોતાના સૈન્ય સામંતોને ઉજ્જયિની શહેરમાં રવાના કરી દઈને, દસબાર નોકરો સાથે રધુનાથરાવ તુકોજીના તંબૂમાં ગયા. તુકોજીએ પણ તેમને માનપૂર્વક પ્રણામ કરીને યોગ્ય રીતે આદરસત્કાર કર્યો.

અહલ્યાબાઈના પુત્ર માલેરાવની વાત કાઢીને રઘુનાથરાવ ઘણું રોયો. સાથે સાથે તુકોજીએ પણ આંસુ પાડ્યાં.

પેશ્વાના કાકા રઘુનાથરાવને પરમ સન્માન યોગ્ય અતિથિ ગણીને, અહલ્યાબાઈ આદરપૂર્વક નિમંત્રણ આપીને ઈંદોર લઈ આવ્યાં. રાજમહેલની પાસે સુસજ્જિત મહેલમાં તેને ઉતારો આપ્યો. એક મહિના સુધી રજવાડી ઠાઠ સાથે અહલ્યાબાઈએ તેનો ઘણોજ આદરસત્કાર કર્યો. જે લોકો પોતાની મદદે આવ્યા હતા, તેમનો વિનયપૂર્વક ઉપકાર માનીને તથા કિંમતી ભેટો આપીને અહલ્યાબાઈએ વિદાય કર્યા.

બળથી તો રઘુનાથરાવ અહલ્યાબાઈનું રાજ્ય લઇ શકયો નહિ. હવે એ છળપ્રપંચ અજમાવવા લાગ્યો.

પેશ્વા તરફ પેશ્વાનાં તાબાનાં રાજ્યોની શી ફરજ છે, તે તેણે સમજાવી; પણ એ કોઈ પણ દલીલથી અહલ્યાબાઈને ખાતરી કરી શક્યો નહિ કે, સંપૂર્ણપણે પેશ્વાને તાબે રહીને એ નચાવે એમ નાચવું ધર્મસંગત છે.