પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



સારો પડ્યો હતો. એમની આગળ હસીને બોલવાની કે અસત્ય ભાષણ કરવાની હિંમત કોઈની ચાલતી નહિ. તુકોજીરાવ ઉપર અહલ્યાબાઈની અધિક શ્રદ્ધા અને પ્રીતિ જોઈને, સ્વાર્થી લોકોએ બાઈના કાન ભંભેરીને બંનેનાં મન ઊચાં કરવા ઘણો પ્રયત્ન કર્યો હતો, પણ બાઈ કાનનાં કાચાં નહિ હોવાથી, એ લોકોને સફળતા મળતી નહિ.

તુકોજીરાવ યુદ્ધવિદ્યામાં ઘણા કુશળ અને સાહસિક હતો, પણ રાજકાર્યોમાં એ એટલો નિપુણ નહોતો; એથી કરીને રાજકાજમાં અહલ્યાબાઈ એને ઉપદેશ આપતાં હતાં. તુકોજીરાવે એમની પાસેથી એવી રીતે ઘણો અનુભવ પ્રાપ્ત કર્યો હતો. વળી તુકોજીરાવ અહલ્યાબાઈનો આજ્ઞાકારી સાચો સેવક હતો. ઉંમરમાં અહલ્યાબાઈથી માટો હોવા છતાં, સદા એ એમને માતુશ્રી કહીને સંબોધન કરતો. તુકોજીરાવ જેમ જેમ રાજકાર્યમાં પાવરધો થતો ગયો, તેમ તેમ અહલ્યાબાઈ તેમને વધારે ને વધારે અધિકાર સોંપતાં ગયાં.

અહલ્યાબાઈ સાધારણ રીતે તુકોજીના કામ ઉપર દેખરેખ રાખતાં અને બાકીનો વખત ધર્માનુષ્ઠાન અને પ્રજાને સુખ તથા શાંતિ આપે એવા ઉપાયો જવામાં ગાળતાં. ત્રીસ વર્ષ સુધી અહલ્યાબાઈએ ૨ાજ્ય કર્યું. એ ત્રીસ વર્ષના અરસામાં કદી રાજગૌરવથી ગૌરવાન્વિત થયેલી શક્તિશાળી તેજસ્વી રાણીરૂપે, તો કદી પ્રજાની સ્નેહાળ માતા અને કરુણામયી દેવીરૂપે; કદી વિપુલ ઐશ્વર્યની અધિકારિણી ધર્મપરાયણા અને હિંદુ રમણી તરીકે અને એ બધી અવસ્થામાં એ બધાં ભિન્નભિન્ન કર્તવ્યોમાં કઠો૨ વ્રતધારિણી હિંદુ વિધવારૂપે, તેમણે જે મહત્ત્વ બતાવ્યું છે, તેનું વિસ્તારપૂર્વક વર્ણન આ ટૂંકા લેખમાં થઈ શકે એમ નથી.

સ્ત્રીઓમાં દુર્લભ એવા અસંખ્ય ગુણોને લીધે અહલ્યાબાઈ ભારતવર્ષમાં યશસ્વિની અને ભારતના હિંદુ–મુસલમાન રાજાઓની ખાસ શ્રદ્ધાને પાત્ર બન્યા હતાં. એ વખતે રાજ્યમાં હંમેશાં પરસ્પર લડાઈઓ ચાલ્યા કરતી; પરંતુ અહલ્યાબાઈના ઉપ૨ સર્વ રાજાઓની એટલી બધી ભક્તિ હતી કે, એના એવડા મોટા રાજ્ય ઉપર, કોઈએ ચડાઈ કરી નહિ; ઊલટું બીજા શત્રુઓથી તેનો બચાવ કરવાને સૌ કોઈ તૈયાર રહેતા. અહલ્યાબાઈ તરફનો પોતાનો બંધુભાવ પ્રગટ કરવાનો પ્રસંગ મળતો,