પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



કામકાજમાં વધારે ધ્યાન આપે, તો રાજ્ય ચલાવવામાં વિઘ્ન આવે, પણ અહલ્યાબાઈના પ્રસંગમાં એવું બન્યું નથી. દરરોજ સવારસાંજ મળીને છ કલાક એ ધાર્મિક અનુષ્ઠાનમાં ગાળતાં, આઠનવ કલાક કામ કરતાં અને બાકીનો સમય ભોજન તથા વિશ્રામમાં ગાળતાં.

જેમને ખંતપૂર્વક કામ કરવાની ટેવ છે, જે લોકો નિયમપૂર્વક કામ કરી શકે છે, તેમનાં જીવનનાં બધાં કામો સારી રીતે થઈ શકે છે. આ બાબતમાં અહલ્યાબાઈનું જીવનચરિત્ર આપણ સર્વને માટે અનુકરણ કરવા યોગ્ય છે.

પ્રજા તરફ રાજાનો જે ધર્મ છે, તેનાં બે મુખ્ય અંગ દયા તથા ન્યાય છે. આદર્શ રમણી અહલ્યાબાઈમાં આ બંને સદ્‌ગુણો પૂર્ણપણે હતા. તે હમેશાં કહ્યા કરતાં કે, “દેવતાએ મારા હાથમાં જે રાજસત્તા આપી છે, તે સત્તાનો ઉપયોગ પ્રજાના કલ્યાણને માટે કરવાને હું પ્રભુ આગળ બંધાયલી છું.”

પ્રજા તરફની જવાબદારીનો આ ભાવ તેમના દરેક કાર્યમાં પ્રત્યક્ષ જણાઈ આવે છે.

એ દેશમાં મરાઠાઓનું રાજ્ય થયે ઝાઝો સમય થયો નહોતો. જમીનની માપણી કે જમાબંદીના નિયમો નક્કી કરવાની ફુરસદ આગલા રાજાઓને મળી નહોતી; એથી પ્રજાને ઘણું દુઃખ પડતું. અહલ્યાબાઈએ રાણી થયા પછી થોડા વખતમાંજ રાજ્યની માપણી કરાવી અને જમાબંદીના ઉત્તમ નિયમો બાંધીને પ્રજાના હક્કનું પણ સારી રીતે રક્ષણ કર્યું. નિયમિત રીતે વેરો ઉઘરાવવાની ગોઠવણ કર્યા પછી પ્રજા સુખી રહે, પ્રજા ધનવાન અને વૈભવશાળી બને, તેમના ઉપર કોઈ અમલદાર જુલમ ન કરે, એ બાબતો ઉપર અહલ્યાબાઇનું ધ્યાન ઘણુ રહેતું. પ્રજા તરફથી વેરો ઉઘરાવવામાં એક અમલદાર ઘણો જુલમ કરે છે, એવી ખબર મળતાં તેમણે લખ્યું કે, “તમે મહેસૂલ વધારી નહિ શકો તેની ફિકર નહિ; પણ તમારા હાથ નીચેની રૈયત સુખી અને સંતુષ્ટ છે એ જાણી હું ઘણી પ્રસન્ન થઇશ.”

પ્રજાપાલન કરતી વખતે દયા, ન્યાય, અને ધર્મ તરફ તેમનું કેટલું ધ્યાન રહેતું તે નીચેના બનાવો ઉપરથી જણાઈ આવશે.

એક વખત એક ધનવાન શાહુકા૨નું મૃત્યુ થયું. તેને કોઈ