પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


ઉપવાસ પછી મારે પારણાં કરવાનો પ્રસંગ આવ્યો છે તો કોઈ શદ્ધ ચિત્તના અતિથિને આ ભોજન આરોગાવીને પછી હું પારણું કરૂં તો ઠીક.” એના મનમાં એ સંકલ્પનો ઉદય થયો એવામાં જ શ્રીવીર પ્રભુ ત્યાં પહોંચ્યા. એમનાં દર્શનથી ચંદનબાળાનો હર્ષ માયો નહિ. તેણે તેમનો ઘણો આદરસત્કાર કર્યો અને ભોજન વહો૨વાને પ્રાર્થના કરી; પણ પોતે ધારી રાખેલા અભિગ્રહમાં એક રુદન બાકી રહેલું હોવાથી વીરપ્રભુ પાછા ફર્યા એટલે ભક્તહૃદયા ચંદનબાળાનાં નેત્રમાં આંસુ આવી ગયાં કે, “હાય, આવા યોગ્ય અતિથિ મારી પ્રાર્થનાનો અસ્વીકાર કરીને પાછા જાય છે !” વીરપ્રભુએ જોયું કે, પોતે ધારી રાખેલા બધા યોગ આ યુવતીમાં મળી ગયા છે, એટલે પ્રસન્ન થઈને તેમણે તેની પ્રાર્થના સ્વીકારીને પારણું કર્યું. તેમણે ચંદનબાળાની દૃઢતા અને ધર્મશ્રદ્ધાની ઘણી પ્રશંસા કરી. એમના આશીર્વાદથી એના પગની બેડી સોનાની થઈ ગઈ અને શિરમાં નવા કેશ આવી ગયા.

મહાવીર સ્વામીને પ્રથમ પારણું કરાવનાર આ સતીના જીવનને બધાં ધન્ય ગણવા લાગ્યાં. ચંદનબાળા પણ આ પ્રસંગથી પોતાના જીવનને સફળ થયેલું સમજવા લાગી. એ ઘણી ઉદાર હદયની સ્ત્રી હતી. પોતાને દુઃખ દેનારી શેઠાણી મૂળાને તેણે શાપ ન દીધો, પણ પોતાને આવી સેવા કરવાનો શુભ પ્રસંગ મળ્યો તેનું મૂળ કારણ મૂળાને ગણીને તેનો ઘણો ઉપકાર માન્યો.

ધનાવહ શેઠ તથા મૂળાદેવીની પ્રેમમયી છાયામાં કેટલોક સમય વ્યતીત કરીને ચંદનબાળાએ શ્રી મહાવીર સ્વામી પાસે ચારિત્ર્ય લીધું. એનું ઉદાહરણ જોઈને શતાનિક રાજાની રાણી મૃગાવતીએ પણ દીક્ષા લીધી.

ચંદનબાળાને પાછળથી કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું હતું અને એ મુક્તિને પામી હતી.

એ પવિત્ર સતીના પુણ્યનામનું આજ પણ જૈન લોકો શ્રદ્ધાપૂર્વક દરરોજ ધાર્મિક પ્રસંગે સ્મરણ કરે છે.