પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



શિવાજી ગોપાળ નામનો એક અમલદાર અહલ્યાબાઈના તરફથી પેશ્વાના દરબારમાં એલચી તરીકે રહેતો હતો. તેના ગુણ અને કામકાજથી પ્રસન્ન થઈને પેશ્વાએ તેને પોતાની નોકરીમાં રાખવા માગ્યો. તુકોજીએ પણ એ વાતને ટેકો આપ્યો; પણ બેમાંથી કોઈએ અહલ્યાબાઈને એ બાબતની ખબર આપી નહિ. અહલ્યાબાઈનો હુકમ મેળવ્યા વગર શિવાજી ગોપાળ અહલ્યાબાઇનું કામ છોડી દઈને પેશ્વાની નોકરીમાં જોડાયો. અહલ્યાબાઈએ આ ખબર સાંભળતાંવારજ તુકોજીને બોલાવીને ખૂબ ધમકાવ્યો. તકોજીએ અહલ્યાબાઈને પગે પડીને ક્ષમા માગી. ત્યાર પછી કોઈ દિવસ એ અહલ્યાબાઈની સલાહ વગર મોટું કામ કરવાનું સાહસ કરતો નહિ.

રાજા તરીકેની પોતાની પ્રતિષ્ઠા સંબંધી આટલી કાળજી ન હોય તો અમલદારોની રાજા ઉપરની ભક્તિ તથા રાજાનો ડ૨ ઓછાં થઈ જાય છે અને આ પ્રમાણે ભય તથા ભક્તિ ઓછી થઈ જવાથી ધીમે ધીમે અમલદાર સ્વેચ્છાચારી થઈ જાય છે, એથી રાજ્યનો પ્રબંધ બગડે છે અને પ્રજાની સુખશાંતિમાં ઘણી ખલેલ પહોંચે છે.

સૂક્ષ્મ રાજનીતિ જાણનારી અહલ્યાબાઈ આ બધું સારી પેઠે સમજતાં હતાં; એટલા માટે જ પોતાનું રાજગૌરવ સાચવી રાખવા એ હંમેશાં પ્રયત્ન કરતાં. બીજા રાજાઓ આગળ પોતાના રાજ્યનો મોભો સાચવી રાખવાને માટે પણ એવોજ પ્રયત્ન કરતાં. એ પ્રસંગે એમનામાં તેજસ્વિતા વધુ જણાતી.

પોતાના રાજ્યના પ્રથમ ભાગમાં રઘુનાથરાવ ચડી આવ્યો, તે વખતે અહલ્યાબાઈએ કેવી નિર્ભયતા અને ઊંડી બુદ્ધિ બતાવી હતી, તે આપણે જોઈ ગયા છીએ. પાછલી વયમાં પોતાના રાજ્યના છેલ્લા અરસામાં એક યુદ્ધમાં તેમણે એવું પરાક્રમ બતાવ્યું હતું કે, તેને લીધે તે બધા રાજાઓની શ્રદ્ધા અને ભક્તિને પાત્ર બન્યાં હતાં.

રજપૂતાનાના જયપુરના રાજા પહેલાં મલ્હારરાવને અને પછીથી અહલ્યાબાઈને ખંડણી આપતા હતા. અહલ્યાબાઈના રાજ્યના પાછલા ભાગમાં ચારપાંચ લાખ રૂપિયા ખંડણીના બાકી નીકળતા હતા; પરંતુ તુકોજીએ જ્યારે એ રૂપિયા માટે ઉઘરાણી કરી, ત્યારે તુકોજીના શત્રુ સિંધિયાના સેનાપતિએ