પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 સંચિત ધનને અહલ્યાબાઈએ દેવસેવા અને પરોપકારના કામમાં ખર્ચવાને સંકલ્પ કરી રાખ્યો હતો. રઘુનાથરાવ અહલ્યાબાઈ પાસેથી રાજ્ય છીનવી લેવામાં કેવી રીતે નિષ્ફળ નિવડ્યો, એ તો વાચકો ઉપર જોઈ ગયા છે. હવે અહલ્યાબાઈના સંચિત ખજાનાની વાત સાંભળીને ફરીથી રઘુનાથરાવને લોભ થયો. કોઇ એક યુદ્ધના ખર્ચ નિમત્તે રઘુનાથરાવે અહલ્યાબાઈ પાસેથી નાણાં માગ્યાં. ઇંદોર પેશ્વાના તાબાનું રાજ્ય હોવાથી રઘુનાથરાવને આ દાવો કાંઈ ગેરવાજબી પણ નહોતો.

પણ દેવસેવા અને લોકસેવાને માટે સમર્પણ કરી દીધેલા ધનમાંથી રઘુનાથરાવના સ્વેચ્છાચારી યુદ્ધ માટે કાંઈ પણ આપવાની અહલ્યાબાઈને ઈચ્છા થઈ નહિ. તેમણે કહેવરાવી દીધું કે, ખજાનામાંનું બધું ધન દાન–ધર્મને માટે સમર્પણ કરી ચૂકી છું. આપને જો પૈસાની તાણ હોય, તો આપ પણ બ્રાહ્મણ છો; યથા વિધિ તુલસીપત્ર અને ગંગાજળ મૂકીને, મંત્ર ભણીને માગણી કરશો તો જોઈએ એટલા ધનનું દાન કરવા હું તૈયાર છું.”

રઘુનાથરાવને ઘણો ગુસ્સો થયો. ઇંદોરની રાણી અહલ્યાબાઈ પેશ્વાને તાબે હતી, એ હક્કને લીધે એણે નાણાં માગ્યાં હતાં. પેશ્વા બ્રાહ્મણ હતા એ વાત ખરી, પણ એ કાંઈ ભિક્ષુક બ્રાહ્મણ નહોતા. ભિક્ષક તરીકે શૂદ્રાણી અહલ્યાબાઈ પાસેથી રઘુનાથરાવ દાન ગ્રહણ કરે ? તેણે યુદ્ધને માટે તૈયાર થવાનું અહલ્યાબાઈને કહેવરાવી દીધું. અહલ્યાબાઈએ પણ જવાબ મોકલ્યો કે, “યુદ્ધમાં પ્રાણ જાય, રાજ્ય જાય, સર્વસ્વ જાય તો ભલે. એ બધું ભોગવવા હું તૈયાર છું; પણ ઈચ્છા કરીને પોતાને હાથે દેવસેવા અને પરોપકારને માટે સંઘરી રાખેલા ધનમાંથી એક કોડી પણ નહિ આપું.”

યુદ્ધ કર્યા વગર કાર્ય સિદ્ધ થતું હોય, ત્યાં સુધી નકામી લોહીની નદીઓ વહેવરાવવી નહિ, એવી અહલ્યાબાઇની મૂળથીજ નીતિ હતી. આ વખતે પણ કુશળતા વાપરીને યુદ્ધ રોકવાની તેમણે યુક્તિ રચી. રઘુનાથરાવ સૈન્ય સાથે આવી પહોંચ્યો. અહલ્યાબાઈ પણ વીરવેશમાં સજ્જિત થઈને ઘોડા ઉપર બેઠાં. સાથે પાંચસો દાસીઓને પણ ઘોડેસવાર બનાવી. આ પ્રમાણે એ બધી વીર નારીઓ યુદ્ધક્ષેત્રમાં આવી પહોંચી; પરંતુ રઘુનાથ૨ાવના હુકમ મળ્યા છતાં પણ મરાઠા સરદારોએ સ્ત્રીઓની સાથે