પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



અહલ્યાબાઈના ધર્માત્મા હોવાની સાક્ષી તો એમણે બંધાવેલ અનેક મંદિરો તથા ધર્મશાળાઓ ભારતવર્ષના ચારે ખૂણામાં પૂરી રહ્યાં છે. તુકોજીએ એક વાર આગ્રહ કરીને જયપુરના કારીગ૨ પાસે અહલ્યાબાઈની મૂર્તિઓ બનાવી હતી, એ સંબંધમાં માલકમ સાહેબ લખે છે: “પ્રાચીન કાળની ઐતિહાસિક સ્ત્રીઓની પેઠે અહલ્યાબાઈમાં પણ અદ્વિતીય અને ઉત્તમ ગુણો વિદ્યમાન હતા. ઈંદો૨, હિમાલય, સેતુબંધ, રામેશ્વર, ગયા, કાશી આદિ સ્થાનમાં વિશાળ અને અનુપમ દેવસ્થાનો બનાવી એમણે પોતાનું નામ અમર કર્યું છે. નાથમંદિર અને ગયાજીનું દેવાલય જે વિષ્ણુપદના નામથી પ્રખ્યાત છે, તેનું શિલ્પકાર્ય એવું સુંદર અને રમણીય છે કે, જોતાં જોતાં આંખ ધરાતીજ નથી. અહીંયા શ્રી રામચંદ્ર અને જાનકીજીની સુંદર મૂર્તિઓ પધરાવેલી છે અને સામે સાચી ભક્ત અહલ્યાબાઈની મૂર્તિ ઊભી છે — જાણે કે સાક્ષાત્ બાઈજ ભગવાનનું પૂજન ન કરતાં હોય ! ગયાજીમાં એ મૂર્તિ જોઈને હિંદુ યાત્રાળુઓના અંતઃકરણમાં એકદમ ભક્તિ અને પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે.”

મહેશ્વર દરબારના દફતરમાંથી એમના સંબંધી અનેક પત્ર મળી આવ્યા છે, એ ઉપરથી એમના સંયમ તથા દયાધર્મનો વિશેષ વૃત્તાંત મળી આવે છે. થોડાક નમૂના નીચે આપીએ છીએ:–

“આજ પ્રાતઃકાળથી બાઈને ઝાડાનો ઉપદ્રવ થયો છે. દિવસમાં ત્રીસ ચાલીસ વાર શૌચ જવું પડ્યું, પરંતુ અમાવાસ્યા હોવાથી દવા નજ પીધી.”

“અહીંયાં આજકાલ શ્રાવણ માસનો ઉત્સવ છે. દરરોજ અઢીથી ત્રણ હજાર બ્રાહ્મણો ભોજન કરે છે. x x x x ભોજન પછી દરરોજ એમને બબ્બે ત્રણ ત્રણ પૈસા દક્ષિણા આપવામાં આવે છે અને જન્માષ્ટમીને દિવસે પ્રત્યેક બ્રાહ્મણને એક એક રૂપિયો આપવામાં આવે છે. લિંગ ઉપર અનુષ્ઠાન કરનારા બ્રાહ્મણને રોજના આઠ રૂપિયા, જપ કરનારાને પાંચ પાંચ રૂપિયા, કવચ ભણનારાને આઠનવ રૂપિયા અને નમસ્કાર ભણનારાઓને નવદસ રૂપિયા આપવાનો રિવાજ છે. બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી ચાર ઘડી દિવસ બાકી રહે, ત્યારે બાઈ સ્નાન કરીને ભોજન કરે છે.”

“૬૯ વર્ષની વય સુધી બાઈનો પૂજા પાઠ તથા વ્રત નિયમાદિ