પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૫
અહલ્યાબાઈ



ઠીક ચાલ્યાં હતાં. શકુનની વિદ્યામાં પણ એ વિશેષ પ્રવીણ હતાં. દરેક કામ શકુન જોઈને કરતાં.”

અહલ્યાબાઈએ જે જે ધર્માદા સંસ્થાઓ સ્થાપી જે જે મંદિરો બંધાવ્યાં તેની પૂરી યાદી ઈંદોર રાજ્યના દફતરમાંથી પણ મળી આવતી નથી. એનું એક કારણ એ છે કે, એ સંસ્થાના નિભાવ અર્થે તેમણે દૂરદેશાવરના એ સ્થાનોની આસપાસની જમીન તથા ગામ વગેરે ખરીદીને દાન કર્યાં છે. આ સંસ્થાએાના વ્યવસ્થાપકોને ઇંદોર સુધી ખર્ચની રકમ લેવા આવવું પડે એવું રાખ્યુંજ નથી.

મલ્હારરાવના મૃત્યુ પછી દેવી અહલ્યાબાઈએ મહેશ્વર સ્થાનને પોતાનું મુખ્ય મથક બનાવ્યું હતું. એ ગામ નર્મદા નદીને કિનારે વસ્યું છે અને ત્યાં મોટા પ્રચંડ ઘાટ છે. બાઈનો મહેલ નદીને કિનારેજ હતો. મહેશ્વરની ઉન્નતિ સારૂ બાઈએ તનમનધનથી પ્રયત્ન કર્યો હતો. ઘાટની પાસે બાઇની એક અતિ ઉત્તમ અને જોવાલાયક છત્રી છે, એમાં એક શિવલિગ અને સામે અહલ્યાબાઇની મૂર્તિ સ્થાપિત છે. એ ઘાટ અને છત્રી અહલ્યાબાઈના સ્મરણાર્થે યશવંતરાવ હોલ્કરે બંધાવેલા છે. એને બંધાતાં ૩૪ વર્ષ લાગ્યાં હતાં અને એમાં લગભગ દોઢ કરોડ રૂપિયા ખર્ચ થયું છે. એ છત્રીને કેટલાક લોકો મધ્યહિંદુસ્તાનના તાજમહેલની ઉપમા આપે છે.

મહામહોપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રી પોતાના ઇતિહાસમાં લખે છે કે, “અહલ્યાબાઈએ કાશીમાં વિશ્વેશ્વર અને ગયામાં વિષ્ણુપદના મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને કલકત્તાથી કાશી સુધી એક ઉત્તમ સડક બંધાવી હતી. એ ઉપરાંત ગ્રીષ્મ ઋતુમાં ઠેકાણે ઠેકાણે પરબો મંડાતી અને શિયાળામાં અનાથોને કામળીઓ વહેંચવામાં આવતી.”

અહલ્યાબાઇની કીર્તિ એટલી બધી હતી કે, એમના સમકાલીન હૈદર, ટીપુ, નિઝામ, અયોધ્યાના નવાબ વગેરે મુસલમાનો પણ એમની ઘણી પ્રશંસા કરતા.

અહલ્યાબાઈના જીવનનું અવલોકન કરતાં સર જોન માલ્કમ લખે છે: “એ ચરિત્ર અત્યંત અલૌકિક છે. સ્ત્રી હોવા છતાં પણ બાઈને લેશમાત્ર અભિમાન નહોતું. એમને ધર્મની વિલક્ષણ ધૂન