પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



હતી અને એમ છતાં પણ, પરધર્મ તરફ સહિષ્ણુતા પણ પુષ્કળ હતી. એમનું શરીર વૃદ્ધ થઈ ગયું હતું, પણ પોતાની પ્રજા અને આશ્રિતોને કેવી રીતે સુખ મળે, એમનો વૈભવ કેવી રીતે વધે એ સિવાય બીજા વિચારજ એમને નહોતા આવતા. બાઈએ પોતાને મળેલી સ્વતંત્ર સત્તાનો ઉપયોગ દક્ષતા અને વિચારપૂર્વક કર્યો હતો, એથી એમની મનોવૃત્તિ સ્થિર થઈ ગઈ હતી અને એમના નોકરો તથા પ્રજાએ તનમનથી એમની આજ્ઞાનું પાલન કર્યું હતું.”

ધીમે ધીમે મહાન રાણી અહલ્યાબાઈનું આયુષ્ય ખૂટવા લાગ્યું. આદર્શ રમણી અને આદર્શ રાણી હોવા છતાં પણ, અહલ્યાબાઈનું સાંસારિક જીવન ઘણું સુખી નીવડ્યું નહોતું. એક પુત્ર અને એક કન્યાને જન્મ આપ્યા પછી, અઢાર વર્ષની કુમળી વયે એ વિધવા થયાં હતાં. પુત્ર માલેરાવ કેવો દુષ્ટ નીકળ્યો હતો, તે આપણે જોયું. એવા ગાંડા ઘેલા પુત્રના અકાલ મૃત્યુથી પણ તેમને બેહદ દુઃખ થયું. કન્યા મુક્તાબાઈને એક પુત્ર હતો. તેને પાસે રાખીને અહલ્યાબાઈ તેનું પાલનપોષણ કરવા લાગ્યાં.

પરંતુ સંસારનું આટલું સુખ પણ તેમને છાજ્યું નહિ. સંસારમાં સ્નેહના મુખ્ય બંધનરૂપ એ એકનો એક દોહિત્ર પણ અહલ્યાબાઈને મૂકીને આ દુનિયામાંથી ચાલ્યો ગયો. એના મૃત્યુ પછી એક વર્ષે મુક્તાબાઈ વિધવા થઈને સતી થઈ.

શોક, દુઃખ અને રાજકારભારના તથા કઠોર વ્રત અને ઉપવાસને લીધે, ધીમે ધીમે અહલ્યાબાઈનું શરીર ક્ષીણ થઈ ગયું.

મૃત્યુને પાસે આવતું જોઈને એમણે દરરોજ એક હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાની તથા ગરીબ, દુઃખી અને આંધળા પાંગળાને અન્નવસ્ત્ર આપવાની વ્યવસ્થા કરી. મૃત્યુને દિવસે બા૨ હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનો હુકમ આપ્યો. સંસારમાં પોતાને માટે નિર્માણ થયેલું કાર્ય સફળતાપૂર્વક કરીને સંવત ૧૮૫૩ (ઈ○ સ○ ૧૭૮૬) માં દેવી અહલ્યાબાઈએ ૭૦ વર્ષની વચે સ્વર્ગવાસ કર્યો. એમનાં સત્કૃત્યોને લીધે આખા ભારતવર્ષમાં એમના મૃત્યુના સમાચારથી શોક ફેલાયો; લોકો એમની પુણ્યકીર્તિ ગાઈને એમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવા લાગ્યા. એક અંગ્રેજ કવયિત્રીના કથનનો સારાંશ કહીએ તો “એના ત્રીસ વર્ષના શાંતિમય રાજ્યમાં દેશમાં સુખસમૃદ્ધિ