પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૭
અહલ્યાબાઈ



વધ્યાં હતાં અને આબાલવૃદ્ધ, કઠોર અને કોમળ દરેકના મુખમાંથી તેને માટે આશીર્વચનો નીકળતાં હતાં. પર્વતોમાં, ટેકરીઓ ઉપર કે સમતલ ભૂમિમાં પ્રવાસી અનેક સ્થળે શોકપૂર્વક ઊભો રહીને કહે છે કે, ‘હાય ! આ ઈમારત અહલ્યાબાઈની બનાવેલી છે !’ ભૂત અને ભવિષ્યનો વિચાર કરતાં વિદ્વાન સાધુના મનમાં અનેક વિચારો ઉદ્ભવે છે અને તે મનમાંજ કહે છે કે, ‘હાય ! આપણા ખટપટિયા રાજાઓ એ વીર નારીની પેઠે શાસન ચલાવતા હોય, તો કેવું સારૂં ?”

અહલ્યાબાઈએ સાહિત્યમાં પણ પોતાની પાછળ એક સ્મા૨ક મૂક્યું છે. તેનું નામ ‘અહલ્યાબાઈ કામધેનુ’ છે.

એમણે એમના રાજ્યમાં વસનારા તથા બહારથી આવેલા વિદ્વાન પંડિતોને એકઠા કરીને આજ્ઞા આપી હતી કે, “તમે લોકો સભા મેળવીને શોધખોળ કરીને ધર્મશાસ્ત્રનો એક મોટો ગ્રંથ લખો.” એ ગ્રંથ સારૂ એમણે દેશદેશાવરમાં તપાસ કરાવીને કિંમતી પુસ્તકો મંગાવ્યાં હતાં. એ પુસ્તકોને આધારે પંડિતોએ “અહલ્યા કામધેનુ” નામનો એક મોટો ગ્રંથ રચ્યો. તેમાં ધર્મશાસ્ત્રની મુખ્ય મુખ્ય બધી વાતો સમાવવામાં આવી છે. એ ગ્રંથથી અહલ્યાબાઈનું નામ સંસ્કૃત સાહિત્યમાં અમર છે.

અહલ્યા–ઉત્સવ

આપણા મહાન પૂવેજોની જયંતી ઊજવવાની પ્રથા વીસમી સદીમાં પાછી તાજી થઈ છે, એ આપણાં સદ્‌ભાગ્યની વાત છે. અહલ્યાબાઈનું મરણ તાજું રાખવા થોડાંક વર્ષથી ઇંદોર રાજ્યમાં ‘અહલ્યા–ઉત્સવ’ ઉજવાય છે. આખા શહેરના લોકો એમાં ભાગ લે છે. ગરીબ અને ફકીરોને ભોજન વહેંચવામાં આવે છે. એ દિવસે મહારાણી અહલ્યાબાઈની સવારી ઘણી ધામધૂમ અને આનંદથી કાઢવામાં આવે છે. એ દિવસે આખા શહેરમાં ઉમંગ વ્યાપી રહે છે. ફૂલોથી શણગારેલી પાલખીમાં એમની છબીનાં દર્શન કરીને બધાં પોતાના જન્મનું સાર્થક સમજે છે.

એમની પાલખીની આગળ ૩૦ સ્ત્રીઓ નાગી તલવાર લઈને ઘોડેસવાર થઈને ચાલે છે. પાછળ પણ હથિયારબંધ સ્ત્રીઓનું એક એવુંજ લશ્કર હોય છે. ગંગાધરરાવ દીવાનની શિખવણીથી રાઘોબાદાદાએ એમના રાજ્ય ઉપર ચડાઈ કરી હતી, તે વખતે