પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

४–मदनरेखा


સુદર્શનપુરના રાજા મણિરથના નાનાભાઈ યુગબાહુની પત્ની હતી. રૂપમાં એ અતિ આકર્ષક અને ઘણી સુશીલ હતી. તેનો પતિ ધાર્મિક વૃત્તિનો હતો. દંપતિનો સંસાર સુખમાં વ્યતીત થતો હતો. રૂપ પણ ઘણી વખત સ્ત્રીઓને માટે દુઃખનું જ કારણ થઈ પડ્યું છે, પણ સતી સ્ત્રીઓને પોતાના શીલરૂપી સદ્‌ગુણનો પરિચય આપવાનો પ્રસંગ પણ એવી આપત્તિઓમાંજ ઘણી વખત આવે છે.

મદનરેખાના સૌંદર્યથી મુગ્ધ થઈને એના જેઠ મણિરથની દાનત બગડી. એ દુષ્ટના મનમાં નાનાભાઈની વહુ માટે અધમ વિકાર ઉત્પન્ન થયો અને તેણે મદનરેખાને લલચાવવા સારૂ દાસીની સાથે કિંમતી વસ્ત્રાલંકાર વગેરે ભેટ મોકલી. મદનરેખાએ રાજાનો પ્રસાદ ગણીને નિર્દોષપણે તેનો સ્વીકાર કર્યો. ત્યાર પછી રાજાની દૂતી બીજી વાર તેની પાસે ગઈ અને રાજાની તેના પ્રત્યેની આસક્તિ કહી સંભળાવી. સતી મદનરેખાને એ વચન બાણ જેવાં લાગ્યાં. એના ક્રોધ અને શોકનો પાર રહ્યો નહિ. એણે દાસીને કહ્યું: “મહારાજા સાહેબને મારા જેઠ થઈ આવો અધમ સંદેશો મોકલતાં શરમ નથી આવતી ? વેશ્યાઓના બંધુઓ પણ તેની પાસે જવાની ઈચ્છા રાખતા નથી. સગપણની એટલી શરમ તો એમને પણ હોય છે. જે સ્ત્રીમાં શિયળ સાચવવાનો ગુણ નથી તે સ્ત્રી નરકગામી થાય છે. તારા રાજાને અંતઃપુરમાં સુંદર સ્ત્રીઓ હોવા છતાં, પરસ્ત્રીને ભોગવવાની ઈચ્છા કેમ થઈ ? મારા સ્વામીનાથ હજુ હયાત છે. એમના છતાં જે કોઈ મારા ઉપર કુદૃષ્ટિ કરશે તે જરૂર મરણ પામશે. કોઈ મારા ઉપર બળાત્કાર કરશે તો હું પ્રાણ ત્યજીશ, પણ આ દેહને તો પરપુરુષનો સ્પર્શ નહિ થવા દઉં. ઉત્તમ પુરુષો તો આ લોક કે પરલોકમાં વિરુદ્ધ આચરણ