પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૧
મુક્તાબાઈ



આવેલી આ કોમળ મંજરીનું સદા રક્ષણ કરજો. પડછાયાની પેઠે એને સદા તમારી સાથેજ રાખજો. વિધાતાએ ઉત્પન્ન કરેલી સુંદરતાના નમૂનારૂપ ગણીને એને ચાહજો. ઘરસંસારની આંટીઘૂંટી એ હજુ જાણતી નથી, હજુ એ હલેતી છે, તમે વ્યવહારકુશળ છો. એને એવું શિક્ષણ આપજો, કે જેથી ભવિષ્યમાં એ સ્ત્રીસમાજની શિરોમણિ ગણાય અને બધા એને આદરની દૃષ્ટિથી જુએ. મારી આ સલાહને મંત્રરૂપ ગણીને, સદા સ્મરણમાં રાખજો. એ ઉપદેશનું પાલન કર્યાથી તમને જિંદગી સુધી સુખ મળશે.

“સ્ત્રીને સદા સુખી રાખવી તથા સન્માર્ગે ચલાવવી એ પતિનાજ હાથમાં છે. સ્વામીના ગુણોને જોઈને સ્ત્રી પણ ગુણવાન બને છે. સ્ત્રી જાતિ સ્વામીના મનના વિચાર જાણવામાં કુશળ હોય છે. ઘોડો પોતાના સવારની રાંગને ઓળખી જાય છે અને તે કાચોપોચો હોય તો એને પાડી નાખવા પ્રયત્ન કરે છે અને સવારને સવારીમાં પૂર્ણ કાબૂવાળો જુએ છે, તો એના કહ્યા પ્રમાણે ચાલે છે. સ્ત્રી પણ એવી જ રીતે પતિની રહેણીકરણી અને પોતાના જીવનને ઘડે છે અને સદા એને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરે છે. કોઈ રીતે મારી મુક્તાની સાથે ક્રૂરતાનો વ્યવહાર ન કરશો. એનો જીવ દુભાય એવું આચરણ ભૂલેચૂકેય ન કરશો. ક્રોધ આવે તોપણ એને મનમાં સમાવજો. અપ્રસન્ન થઈને, ક્રોધ કરીને મારી ચમેલીસમ સુકુમાર મુક્તાને કરમાવશો નહિ. સ્ત્રીજાતિનું ગૌરવ શાસ્ત્રોમાં ઘણું ગવાયું છે, તે સદા ધ્યાનમાં રાખજો. યાદ રાખજો કે, સ્ત્રી એ પતિની અમોઘ શક્તિ છે, શાંતિની ખાણ છે, સુખ અને આનંદની મૂર્તિ છે. બહાર તમને ગમે તેટલું દુઃખ પડ્યું હોય, પણ ઘેર આવતાંવારજ પત્ની હસતે મુખે કુશળ વાર્તા પૂછે, મીઠી વાતો કરે, તો બધું દુઃખ વીસરી જશો. સ્ત્રીઓજ ગૃહને નંદનવન બનાવી દે છે. પ્રિય પુત્ર ! તમને વધારે શું કહું ! તમે પોતે સમજુ છો. મારી મુક્તાના ગુણોથી જાણીતા છો. એની પૂરેપૂરી કદર કરી, મારા દુઃખી જીવનમાં શાંતિ રેડો, ઈશ્વર તમારૂં કલ્યાણ કરે. તમારૂં દાંપત્ય જીવન સુખી થાઓ અને તમે દીર્ઘાયુષ્ય ભોગવો, એજ મારો આશીર્વાદ છે.”

જમાઈને ઉપદેશ આપ્યા પછી પુત્રી મુક્તાબાઈને શિખામણ આપી કે, “પ્રાણાધાર મુક્તા ! આજ આ અભાગણીને તને વિદાય કરતાં ઘણું દુઃખ થાય છે. તારા ગયાથી મને મહેલમાં