પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૩
મુક્તાબાઈ



મૂંઝારો થતાં એ યુવક ૧૮ વર્ષની કુમળી વયે સંસાર ત્યજીને પરલોક ચાલ્યો ગયો. એકદમ પુત્રનું ભરયુવાવસ્થાના આરંભમાં મૃત્યુ થવાથી, મુક્તાબાઈ તથા યશવંતરાવના શોકનો પાર રહ્યો નહિ. બન્નેએ હૃદય ચીરી નાખે એવો વિલાપ કર્યો. અહલ્યાબાઈએ શોકસમાચાર સાંભળ્યા, ત્યારે એમના દુઃખનો પણ પાર રહ્યો નહિ. વીર યશવંતરાવના હૃદય ઉપર પુત્રવિયોગનો ઘા બહુજ સખ્ત વાગ્યો. સંસાર એમને દુઃખરૂપ લાગ્યો. રાતદિવસ શોકાતુર રહેવા લાગ્યો. એથી એમનું શરીર લથડ્યું અને ઈ૦ સ૦ ૧૭૯૧ માં એમણે પણ પુત્રની પાછળ પ્રાણ છોડ્યો. પતિના મંદવાડમાં મુક્તાબાઈએ તેની ઘણી સેવાચાકરી કરી પણ વિધાતાએ સહાયતા ન આપી. એ પતિપરાયણ સાધ્વીની સેવા સફળ ન થઈ. પતિનો દેહત્યાગ થતાંજ, એની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી અને છાતી ફાડી નાખે એવા સાદે એ વિલાપ કરવા લાગી: “પ્રાણેશ્વર ! જન્મજન્માંતરની મારી તપસ્યાના ફળરૂપ તમે હતા. શું ખરેખર તમે મને એકલી મૂકીને સ્વર્ગે સિધાવ્યા ? તમે તો ઘડીભર મને વીલી મૂકતા નહોતા તો આજ આટલા, નિર્દય કેમ થયા ? તમારી નિરાધાર પત્નીને એકલા મૂકીને ચાલ્યા જવું તમને ઠીક લાગ્યું ?” વગેરે વગેરે હૃદયદ્રાવક શબ્દોમાં મુક્તાબાઈએ ઘણો વિલાપ કર્યો. ત્યાર પછી અત્યંત પ્રેમવશ થઈને એણે પતિના દેહની સાથે સતી થવાનો નિશ્ચય કર્યો. એની વૃદ્ધ દુઃખી માતા ત્યાંજ હતી. એની પાસે રજા માગી. અહલ્યાબાઈને સંતાનમાં માત્ર એક પુત્રી હતી. પતિ, પુત્ર, સસરા બધાં મરી પરવાર્યા હતાં. આ સંસારમાં જેને પોતાનું કહી શકાય, એવુ કોઈ સગું એમને નહોતું રહ્યું. જીવનનો એકમાત્ર આધાર, સુખદુઃખનો વિસામો પુત્રી મુક્તાબાઈ પતિની સાથે સતી થઈ પરલોક સિધાવે, તો પછી એમના દુઃખનો પાર ન રહે, એ વિચારથી એમણે પુત્રીને સતી થતાં રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો. પ્રેમપૂર્વક સમજાવ્યું કે, “દીકરિ ! મારા ઘડપણ સામું જો. તારી જરા પણ ભક્તિ મારા ઉપર હોય, તો આ ભવસાગરમાં મને એકલી નિરાધાર અને દુઃખી છેાડી ન દે. તારા વગર મારાથી સંસારમાં ક્ષણભર પણ રહેવાવાનું નથી.”

મુક્તાબાઈએ માતાનો ઉપદેશ ધ્યાનપૂર્વક સાંભળ્યો. પિતાના મૃત્યુ સમયે માતાને પણ એવોજ પ્રસંગ પ્રાપ્ત થયો હતો,