પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૫
મુક્તાબાઈ



પ્રતિજ્ઞાથી વિચલિત નથી થવાની, ત્યારે એમણે લાચાર થઈને કઠણ હૃદય કરીને, પુત્રીને સતી થવાની રજા આપી. આજ્ઞા મળતાં જ બધી સામગ્રી તૈયાર થવા લાગી. યશવંતરાવની અંત્યેષ્ટિક્રિયાનું વર્ણન એક અમેરિકન મહિલાએ અસરકારક શબ્દોમાં કર્યું છે, તેનો હિંદી અનુવાદ અમે નીચે ઉતારીએ છીએ:

“ડંકા સંગ નિશાન, દુઃખકી ધ્વજા ઉડાવત;
ત્યાંહી વાદ્ય અનેક, શોકભરી ગુણગાન ગાવત.
પૂજ્ય વિપ્ર વર વૃંદ, દુઃખસે ભરે લખાતે;
નૈન નવાએ ચલે, ખિન્ન મારગમેં જાતે.
તિન પાછે સરદાર, સકલ આતંક ગવાઁ એ;
રાજપુરુષ મતિમાન, ચલત હૈ શોક સમાએ.
ઔર હુ સેવક શૂર, ભૂમિપૈ દીઠિ ગવાઁએ;
ઈનકે પાછે લખહ, ભવ્ય અર્થી*[૧] હ આવનિ.X[૨]

યશવંતરાવની એ શબવાહિનીની પાછળ તરુણ વિધવા ચાલી રહી હતી. તેને જોઈને પથ્થરનાં હૃદય પણ ફાટી જતાં હતાં. હાય ! આજ આ કુસુમકળી ભસ્મમાં બળીને રાખ થઈ જશે ! એની પાછળ ઈંદોરની વૃદ્ધ મહારાણી અહલ્યાબાઈ પોતે આ હૃદયવિદારક દૃશ્ય નિહાળવા આવી રહ્યાં હતાં. એમને જોતાંવાર તો દર્શકોની કરુણાનો સમુદ્ર ઉભરાઈ આવતો. અનેક બ્રાહ્મણો તેમની સાથે હતા. દર્શકોની તો એટલી બધી ભીડ જામી હતી કે ઈંદોરનું શ્મશાન એક ઊભરાયેલા શોકસમુદ્ર સમું થઈ પડ્યું હતું. દર્શકો ચારે તરફથી કરુણાજનક વિલાપ કરી રહૃાા હતા અને તેમની આંખમાંથી અશ્રુ વહી રહ્યાં હતાં. રાજવંશીનો અગ્નિસંસ્કાર હોવાથી અનેક વાજિંત્રો પણ શોકધ્વનિ કાઢી રહ્યાં હતાં.

અંતે જ્યારે એ લોકો શ્મશાનભૂમિમાં પહોંચ્યાં ત્યારે એક ઊંડી અને ગંભીર શાંતિ છવાઈ ગઈ. અહીંઆં અહલ્યાબાઈએ પુત્રી સાથે છેલ્લો મેળાપ કરી લીધો, હાય ! એ મેળાપને લેખક કયા શબ્દમાં વર્ણવે ? માતાપુત્રીને એકબીજાને વિદાય માગવાના ઘણાએ પ્રસંગો આવે છે અને એ દરેક પ્રસંગે શોક તો થાય છે જ, પણ આજની આ અંતિમ વિદાય તો હૃદયદ્રાવક જ હતી.


  1. * અર્થી – શબવાહિની.
  2. Xઆ તથા બીજા કવિતાનાં અવતરણો શ્રી. રાધાકૃષ્ણ જયસ્વાલના હિંદી અનુવાદમાંથી ઉતારવામાં આવ્યાં છે.