પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


મૃગાવતીનું ચિત્ર બતાવ્યું. રાણીના અનુપમ રૂપલાવણ્યથી મુગ્ધ થઈ તેને પ્રાપ્ત કરવા રાજા ચંડપ્રદ્યોતે શતાનિક ઉપર ચઢાઈ કરી. શત્રુનું મોટું સૈન્ય જોઈને યુદ્ધ કરતાં પહેલાંજ અતિસારના રોગથી રાજા શતાનિકનું મૃત્યુ થયું.

રાણી મૃગાવતીને આથી ઘણો શોક થયો. એનો પુત્ર એ સમયે બાલ્યાવસ્થામાં હતો. પોતાના શિયળનું અને નાના બાળકનું રક્ષણ કોઈ પણ પ્રકારે કરવાનો એણે સંકલ્પ કર્યો. એણે એક યુક્તિ શોધી કાઢી. પોતાની દાસી સાથે અવંતીરાજને કહેવરાવ્યું કે, “મારા પતિદેવ સ્વર્ગવાસી થયા છે અને પુત્ર ઉદયન હજુ બાળક છે. એ મોટો થશે અને રાજ્ય કરવા યોગ્ય થશે એટલે હું આપની સાથે આવીશ. હમણાં તો શોક છે. જો તમે બળાત્કાર કરશો તો હું આત્મહત્યા કરીશ, માટે હમણાં તો તમે પાછા ફરો. વળી આસપાસનાં શત્રુરાજ્યોથી મારા રાજ્યને ઘણો ભય છે, માટે આપ અવંતીથી મોટી ઇંટો મોકલીને એક મજબૂત કિલ્લો બંધાવી આપો, એટલે હું સુરક્ષિત રહી શકું.”

કામી રાજાએ તેની પ્રાર્થના સ્વીકારી અને અવંતીથી ઈંટો મંગાવીને એક મજબૂત કિલ્લો કૌશામ્બીની આસપાસ બંધાવી દીધો; તથા અનાજ, ઘાસ, પાણી વગેરેનો પણ નગરમાં પૂરતો બંદોબસ્ત કરી આપ્યો. કિલ્લો બંધાઈ ગયા પછી થોડા વખત પછી રાજા ચંડપ્રદ્યોતે મૃગાવતીને તેડવા સારૂ દૂત મોકલ્યો અને કહેવરાવ્યું કે, “મેં મારૂં વચન પાળ્યું છે, હવે તમે તમારૂં વચન પાળીને મારી સાથે રહેવા સારૂ આવો.”

વિધવા રાણી મૃગાવતીને આથી ઘણો ક્રોધ ઉપન્ન થયો અને તેણે ઉત્તરમાં કહેવરાવ્યું કે, “હે મૂર્ખ ! તું એવો દુષ્ટ અભિલાષ કદી રાખતો નહિ. મેં સ્વપ્ને પણ તારા પ્રત્યે પ્રેમ કર્યો નથી. હું આર્યરમણી છું. પતિ એજ મારા સદાના આરાધ્ય દેવ રહ્યા છે અને જીવનપર્યંત રહેશે. હું નિરાધાર અને અરક્ષિત હતી, માટે મારા રક્ષણને સારૂં મેં, કેવળ એ એક યુક્તિ કરી હતી.”

ચંડપ્રદ્યોતને ખાતરી થઈ કે આ વિદુષી સ્ત્રીએ મને ઠગ્યો છે. એણે મૃગાવતીને ધમકી આપી કે, “તું તારૂં અને તારા પુત્રનું હિત ચાહતી હોય તો જલદી અહીં આવી જા, નહિ તો હું તારા રાજ્યને ખેદાનમેદાન કરી નાખીશ.” એની એ ધમકીની સતી