પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

६–प्रभावती

રાજા ઉદયનની પત્ની અને ચેડા રાજાની કન્યા હતી. પિતાને ઘેર તેને સારૂં શિક્ષણ મળ્યુ હતું. સંગીત વિદ્યાનો પણ તેને શોખ હતો. એ સમયમાં સંગીત હાલની અધોગતિએ પહોંચ્યું નહોતું. ઉચ્ચ કુળની કન્યાઓ અને વહુઓ સંગીતનો અભ્યાસ કરતી અને પોતાના મધુર કંઠ વડે મીઠાં ગીત ગાઈ કુટુંબીઓને અને પ્રભુને પ્રસન્ન કરતી. મહાવીરસ્વામીના વખતમાં એ વિદ્યમાન હતી. એનો પતિ રાજા ઉદયન ધર્માત્મા હતો.

એક દિવસ મહાવીર પ્રભુએ ઉદયનને ઉપદેશ આપતાં, સંસારની અસારતા જણાવીને કહ્યું કે, “કુળ, રૂપ, બળ, બુદ્ધિ, વૈભવ વગેરે પામવા છતાં જે મનુષ્ય ધર્મકાર્ય કરતો નથી, તે નાવને ત્યજી દઈ સમુદ્રમાં પડતું મૂક્યા જેવું કરે છે.” ભગવાન મહાવીરના આ ઉપદેશથી ઉદયનને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને ભાણેજને રાજ્યાસન સોંપી દીક્ષા લઈને સાધુ બન્યો.

સતી પ્રભાવતી પણ દીક્ષા ગ્રહણ કરી છેવટે મોક્ષની અધિકારી બની હતી. તેના ચરિત્રમાં અનેક ચમત્કારી બનાવો બન્યા હતા. દેવાધિદેવની પ્રતિમાનો પ્રભાવ તેણેજ પ્રગટ કર્યો હતો. એ પ્રભાવવાળી પ્રતિમાના યોગથી એની વિખ્યાતી ભારતવર્ષમાં સર્વત્ર થઈ ગઈ હતી. એ મહાસતીમાં પતિભક્તિ અને લોકોપકાર એ બે મોટા ગુણો રહેલા હતા. શુદ્ધ મન, વચન અને કર્મથી તે ધર્માચરણ કરતી. કોઈ પણ દુઃખી જન આવે તેને સહાય કરવામાં આગળ પડતી અને પોતાનાથી થાય એટલું સુખ પહોંચાડીનેજ જીવનની સાર્થકતા માનતી. વિદ્યા પ્રત્યે એને ઘણી રૂચિ હતી. એ વિદુષી પત્નીની પ્રેરણાથી રાજા ઉદયને પોતાના રાજ્યમાં જ્ઞાન ફેલાવવાની ઘણી સંસ્થાઓ સ્થાપન કરી હતી.[૧]


  1. ❋ ‘ભરતેશ્વર બાહુબલીવૃત્તિ’ તથા ‘જૈન સતીમંડળ’ ઉપરથી.