પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

७–सती सुभद्रा

વસંતપુર નામના નગરના રાજા જિતશત્રુના પ્રધાન જિનદાસની કન્યા હતી. તેની માતાનું નામ તત્ત્વમાલિની હતું. તેનાં માતાપિતાએ તેને ધર્મ તથા નીતિશાસ્ત્રનું ઊંચું શિક્ષણ આપ્યું હતું. તેઓ જૈનધર્મી હતાં અને તેઓએ સુભદ્રાને બચપણથીજ જૈન ધર્મના તત્ત્વજ્ઞાનનું શિક્ષણ આપ્યું હતું. પૂજા–અર્ચના કરવામાં તથા અતિથિ સત્કાર કરવામાં એ ઘણી પ્રવીણ હતી. એનાં માતાપિતાની ઈચ્છા એવી હતી કે આ કન્યાનું કોઈ સુપાત્ર જૈનને દાન કરવું.

એવામાં ચંપાનગરીનો બુદ્ધદાસ નામનો એક વણિક એ નગ૨માં આવ્યો. એ બૌદ્ધધર્મી હતો, પરંતુ એ સુભદ્રાનું સૌંદર્ય જોઈને ઘણોજ મુગ્ધ થઈ ગયો. એ કન્યાને પરણવાની ઇચ્છાથી તેણે તેનાં માતાપિતા તથા કુળની ખબર કાઢી. તેને ખબર પડી કે સુભદ્રાનાં માતાપિતાની ઇચ્છા, તેને કોઈ સગુણ ધર્મનિષ્ઠ જૈનની સાથે પરણાવવાની છે. આ ઉપરથી બુદ્ધદાસે બૌદ્ધધર્મનો ત્યાગ કરીને, જૈનમાર્ગ ગ્રહણ કર્યો તથા પોતાના આચારવિચાર અને ધર્મશાસ્ત્રના જ્ઞાનથી સુભદ્રાના પિતાને પ્રસન્ન કરીને તેની સાથે લગ્ન કર્યા. સુભદ્રા જેવી પરમ રૂપવતી, સદ્‌ગુણી અને સુશિક્ષિત પત્ની મળ્યાથી બુદ્ધદાસના હર્ષનો પાર રહ્યો નહિ. વસંતપુરમાં કેટલાંક વર્ષ રહ્યા પછી પુષ્કળ ધન સંપાદન કરીને એ પોતાને ગામ ગયો. સુભદ્રા પણ માતાપિતાની રજા લઈને પતિની સાથે સાસરે ગઇ. સાસરે જઈને તેણે સાસુસસરાને વિનયપૂર્વક પ્રણામ કર્યા. બીજે દિવસે એણે જ્યારે જૈન–દેવાશ્રયમાં પૂજા કરવા જવાની સાસુ પાસે રજા માગી ત્યારે એને ખબર પડી કે એનાં શ્વસુરપક્ષનાં બધાં મનુષ્યો બૌદ્ધધર્મી છે. સાસુએ જૈનધર્મ છોડી દઈને બૌદ્ધ ધર્મ સ્વીકારવાનો તેને ઘણોએ આગ્રહ કર્યો, પણ તેણે પોતાનો બાપીકો ધર્મ છોડી દેવાનું કદી પણ સ્વીકાર્યું નહિ. આથી