પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
સતી સુભદ્રા



માન આપવામાં આવશે.” રાજાના ઢંઢેરાને માન આપીને નગરની અનેક સ્ત્રીઓએ ચાળણીથી પાણી કાઢવાનો પ્રયત્ન કર્યો પણ કોઈને સફળતા મળી નહિ. છેવટે સુભદ્રાએ એ પ્રયોગ અજમાવી જોવાની સાસુને વિનતિ કરી; પણ સાસુએ એની વાતને મશ્કરીમાંજ ઉડાવી દીધી. આખરે એણે વિનયપૂર્વક સાસુને સમજાવ્યું: “આપ અત્યાર સુધી મને કુલટા ગણો છો, માટે મારામાં પતિ ભક્તિ કેટલી છે, મેં શિયળ કેટલું અખંડિત રાખ્યું છે, તેની પરીક્ષા કરવાનો આ ઉત્તમ પ્રસંગ છે. જો આ પ્રયોગમાં હું સફળ થાઉં તો મારી નિર્દોષતાનો સ્વીકાર કરજો અને નિષ્ફળ નીવડું તો કુળકલંકિની કુલટા તરીકે મારો ત્યાગ કરજો. આ પ્રમાણે કહી સાસુની વિનયપૂર્વક રજા લઈને સુભદ્રા કૂવા આગળ ગઈ અને કાચા તાંતણાથી ચાળણી વડે પાણી કાઢીને, તે પાણી હજારો સ્ત્રીપુરુષ દેખતાં નગરના ત્રણ દરવાજા ઉપર છાંટ્યું. તરતજ ત્રણે દરવાજા ઊઘડી ગયા. પછી એણે નગરવાસી સ્ત્રીઓની તરફ ફરીને કહ્યું: “હજુ તમારામાંની બીજી કોઈ સતી હોય તો તેણે આ ચોથો દરવાજો ઉઘાડવો.” પરંતુ કોઈ પણ સ્ત્રીએ ચોથો દરવાજો ઉઘાડવા સાહસ કર્યું નહિ. આથી આ ચોથું દ્વાર હમેશને માટે બંધ રહ્યું. રાજાએ સતી સુભદ્રાનો ઘણો આદરસત્કાર કર્યો.

આવી શિયળવતી વધૂને દુઃખ દેવા માટે સુભદ્રાની સાસુ ઘણોજ પશ્ચાત્તાપ થયો. તેણે સુભદ્રાની ક્ષમા માગી. સતી સુભદ્રાએ સાસુને ઉદાર હૃદયે ક્ષમા આપી, જૈનધર્મનો બોધ આપ્યો.

કેટલાંક વર્ષ સુધી પતિસુખ ભોગવ્યા પછી સુભદ્રાએ જૈન મુનિ પાસે સંન્યસ્ત વ્રતની દીક્ષા લીધી અને પોતાની દુઃખી અને અજ્ઞાન ભગિનીઓના હૃદયમાં સુખ અને જ્ઞાનનો સંચાર કરવામાં પોતાનું આયુષ્ય વ્યતીત કર્યું.