પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 થયા હતા. નેમિનાથ ઉપર તે ખરા અંતઃકરણથી મુગ્ધ થઈ ગઈ હતી. એ નેમિનાથનેજ પોતાના હૃદયના ઈશ્વર માની ચૂકી હતી એટલે છેલ્લી ઘડીએ આ અણધાર્યો બનાવ બન્યાથી તેના કોમળ હૃદચને કેટલો આઘાત પહોંચ્યો હશે ? તેની કલ્પના વાચક બહેન કરી શકશે. નેમિનાથ સાથે તેનો ફક્ત વિવાહ જ થયો હતો. લગ્નનો તો એકે સંસ્કાર થયો નહોતો. કુમાર નેમિનાથના સાધુ થઈ ગયા પછી બીજો યોગ્ય વર પસંદ કરીને તેની સાથે વિવાહ સૂત્રથી બંધાવાની તેને પૂરતી છૂટ હતી, પણ પ્રેમસૂત્રથી જોડાયલાં હૃદયને માટે સંસ્કાર તો એક બાહ્ય આડંબરમાત્ર છે. એ બાહ્ય સ્વરૂપના સંસ્કારની મહોર તેમના સંબંધ ઉપર નહિ લાગેલી હોવા છતાં પણ રાજીમતીના મનથી તે એ પવિત્ર સંબંધ અવિછેદ્યજ હતો. એણે બીજા કોઈ પુરુષ સાથે લગ્ન કરવાની સાફ ના કહી અને જે માર્ગનું સ્વામી નેમિનાથે અવલંબન કર્યું હતું, તેજ માર્ગનું અનુસરણ કરવાનો પોતે દૃઢ નિશ્ચય કર્યો.

યોગિનીનો વેશ ધારણ કરીને સતી રાજમતી વનમાં નીકળી પડી અને પતિની શોધ કરવા લાગી.

એ વખતે નેમિકુમાર ગિરનાર પર્વત ઉપર વાસ કરતા હતા. રાજીમતીએ ગિરનાર પર્વત ઉપર જઈને પતિદેવનાં દર્શન કર્યાં તથા નેમિનાથજી પાસે ધર્મની દીક્ષા લીધી. તેનું સંસ્કારી મન નેમિનાથજીના ઉપદેશથી વધારે વિમળ થયું. ભક્તિરસનો ઝરો તેના હૃદયમાં વહેવા લાગ્યો. આજથી એ રાજકન્યા મટીને પરમ ત્યાગી સંન્યાસિની થઈ. ત્યાર પછી એ પોતાનું સમસ્ત જીવન ધર્મચર્ચા અને લોકસેવામાં ગાળવા લાગી.

એક દિવસ રાજીમતી પતિદેવ નેમિનાથજીનાં દર્શન કરવા સારૂ ગિરનાર પર્વત ઉપર જઈ રહી હતી. તેવામાં માર્ગમાં વરસાદ વરસવા લાગ્યો અને તેથી તેનાં વસ્ત્ર ભીંજાઈ ગયાં. એ ભીજાઈ ગયેલાં વસ્ત્રોને સુકવવા માટે એ એક ગુફામાં ગઈ અને નગ્ન થઈને સર્વ વસ્ત્ર સુકાવા મૂક્યાં. દૈવસંયોગે એજ વખતે તેનો દિયર રથનેમિ સાધુ પણ એજ ગુફામાં એક ખૂણામાં બેઠો બેઠો ધ્યાન ધરી રહ્યો હતો. રાજીમતીને એ વાતની ખબર નહોતી, પણ રથનેમિ પોતાની ભાભી સતી રાજીમતીને નગ્નાવસ્થામાં જોઈને તેના અપ્રતિમ સૌંદર્યથી ઘણોજ મુગ્ધ થઈ ગયેા. પોતે સાધુ છે,