પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
રાજીમતી


 સંસારનો ત્યાગ કર્યો છે, કોઈ પણ સ્ત્રીના ઉપર કુદૃષ્ટિ કરવી એ નરકમાં જવાનો સીધો માર્ગ છે, એ બધું જ્ઞાન આ વખતે રથનેમિ ભૂલી ગયો અને તેના મનમાં રાજીમતીને માટે કામવિકાર ઉત્પન્ન થયો. સતી રાજીમતીની દૃષ્ટિ તેના ઉપર પડતાવારજ સતીએ એકદમ પોતાનાં ભીનાં વસ્ત્ર પહેરી લીધાં; પરંતુ કામી ૨થનેમિ એકાંત જોઈને તેનું શિયળભંગ કરવા માટે ઘણી મીઠી મીઠી વાતો કરવા લાગ્યો. તેનાં કામી વચનોથી સતી રાજીમતીના હૃદયમાં ઘણોજ ઊંડો ઘા લાગ્યો. તેણે પોતાના મનને દૃઢ રાખીને એ વખતે દિયર રથનેમિને ઘણો ઉત્તમ ઉપદેશ કર્યો. તેણે જણાવ્યું કે, “રથનેમિજી ! જુઓ, આપણે બંને સંસારનો ત્યાગ કરીને, સાધુવેશ ધારણ કરીને, યોગાભ્યાસદ્વારા નિર્વાણ મેળવવા સારૂ અહીં આવ્યાં છીએ, એ પવિત્ર ઉદ્દેશને માટે જ આપણે સેંકડો તરેહનાં દૈહિક કષ્ટ પણ ભોગવી રહ્યાં છીએ, માટે હવે તમારે તમારૂં મન ચલાયમાન ન થવા દેવું જોઈએ. જે પવિત્ર આશ્રમ આપે ધારણ કર્યો છે તેના ધર્મને વળગી રહીને કોઈ પણ સ્ત્રી સામી વિકારયુક્ત દૃષ્ટિ કરવી એ તમારે માટે ઘોર પાપ છે. જે દેહના સૌંદર્યથી તમે કામાંધ થઈ ગયા છો, તે દેહ હાડકાં, માંસ, લોહી વગેરે ગંદી વસ્તુઓના પૂતળા સિવાય બીજું શું છે ? તેનો વિચાર કરો. વળી હું પૂર્વાશ્રમમાં પણ તમારા મોટાભાઈની પત્ની હોવાથી તમારે માટે માતા તરીકે પૂજ્ય છું; માટે તમે તમારા મનમાંથી કામવિકારને એકદમ કાઢી નાખીને ચિત્તને પવિત્ર કરો. મારા તરફ તો શું પણ કોઈ પણ સ્ત્રી ઉપર કુદૃષ્ટિ કર્યાથી નરકમાં વાસ કરવો પડે છે એ નિશ્ચય જાણજો.”

સતી રાજીમતીનાં બોધજનક વચન સાંભળવાથી રથનેમિને પોતાના સંન્યસ્તધર્મનું ભાન થયું અને ક્ષણિક કામવિકારને વશ થઈ પોતે કેવું મોટું પાતક કરવા તૈયાર થયો હતો એ બાબતનો વિચાર આવતાં તેના મનમાં ઘણોજ પશ્ચાત્તાપ થવા લાગ્યો. એણે સતી રાજીમતીને નમન કરી પોતાનાં પાપકર્મની ક્ષમા માગી.

ધન્ય છે સતી રાજીમતીને કે, જેણે પોતાનું શિયળ સાચવ્યું એટલું જ નહિ, પણ બીજાને પણ સદુપદેશ આપીને કુપથગામી થતાં અટકાવ્યો !