પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩
શ્રીદેવી


 સતી છે. તેં મારા આત્માને અધોગતિમાં પડતો બચાવ્યો છે.” આ પ્રમાણે કહી તે કમલકેતુ શ્રીદેવીને લઈને શ્રીપુર નગ૨માં મૂકી આવ્યો. પોતાની સતી રાણીને અકસ્માત્ પાછી આવેલી જોઈ રાજા શ્રીધર સાનંદાશ્ચર્ય મુગ્ધ થઈ ગયો. પોતાની સતી સ્ત્રીના હરણથી ગ્લાનિ પામેલા રાજાના હૃદયમાં અતિશય આનંદ થઈ આવ્યો. પછી શ્રીદેવીએ કમલકેતુ વિદ્યાધરનો વૃત્તાંત કહી સંભળાવ્યો, જે સાંભળી સર્વને પરમ સંતોષ પ્રાપ્ત થયો.

એક વખતે શ્રીદેવી પોતાના વાસસ્થાનમાં એકલી રહીને ધર્મ તથા નીતિનાં પુસ્તકો વાંચતી હતી અને તેમાંથી શિક્ષણ લઈ હૃદયમાં અતિ આનંદ પામતી હતી. આ વખતે કોઈ દેવતા અદૃશ્ય થઈ તેના વાસગૃહમાં આવ્યો. સતી તે દેવતાને જોઈને આશ્ચર્ય પામી.

તે વખતે તે દેવતાએ શ્રીદેવીને કહ્યું: “સુંદરિ ! હું તારા સંગમનો અર્થી છું. જો તું દિવ્ય સુખની ઇચ્છા રાખતી હોય તો મારી સાથે પ્રીતિ કર.” શ્રીદેવી વિનયથી બોલી: “દેવ ! તારા જેવા દેવતાએ માનુષી સ્ત્રી સાથે સમાગમની ઈચ્છા કરવી તે જાતિવિરુદ્ધ અને અઘટિત છે. વળી હું સતી સ્ત્રી છું. કદી પ્રાણનો નાશ થાય તોપણ પતિ વિના અન્ય પુરુષની ઈચ્છા કરતી નથી.”

શ્રીદેવીનું આવું દૃઢ વચન સાંભળી દેવ પ્રસન્ન થઈ ગયો. તેણે ક્ષમા માગીને કહ્યું કે, “શ્રાવિકારત્ન ! તને ધન્ય છે. તું મહા સતી છે." આ પ્રમાણે કહી તે દેવ પોતાને સ્થાને ચાલ્યો ગયો.

સતી શ્રીદેવી સારા ભારતવર્ષમાં તથા જૈન સ્ત્રીમંડળમાં શ્રેષ્ઠ સતી ગણાઈ છે. તે મહાસતીનું યશોગાન અદ્યઃપિ જૈનપ્રજા પોતાની આવશ્યક ક્રિયા કરતી વખતે કરે છે. સતી શ્રીદેવી યાવજ્જીવન સતીધર્મને જાળવી મૃત્યુ પામી સ્વર્ગે ગઈ હતી.

મહાસતી શ્રીદેવીનું જીવન સતીધર્મને માટે પ્રખ્યાત છે. તેણે પોતાના અલ્પ જીવનમાં સ્ત્રીકેળવણીની સુગંધ સારી રીતે પ્રસરાવી હતી. તેના જીવનમાંથી સર્વ વાચક બહેનોએ એટલોજ સાર લેવાનો છે કે, સ્ત્રીકેળવણીનાં ફળ કેવાં ઉત્તમ છે ? કે જેથી કેળવણી પામેલી કાન્તાઓ પ્રાણ માટે પણ પોતાના સતીધર્મને જાળવવાને સમર્થ થઈ શકે છે.[૧]


  1. ❋ “જૈન સતી મંડળ”–ભાગ ૧ માંથી ઉપકારસહિત ઉદ્ધૃત – પ્રયોજક