પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
સુંદરી


વિદ્યાદેવીનાં મંદિરો સ્થાપ્યાં હતાં અને જૈનબાળાઓને બોધ મળે તેવી અનેક યોજનાઓ ઊભી કરી હતી. તેણે શ્રાવિકાઓના હૃદયમાં શીલધર્મની મહત્તા સ્થાપી હતી અને શીલના મહત્ત્વને માટે અસરકારક ઉપદેશ આપ્યો હતો. તે મહાસતી ઊંચા હાથ કરી કહેતી કે, “શ્રાવિકાઓ ! શીલ એ કલ્પવૃક્ષ છે. તેના રક્ષણથી કુળની ઉન્નતિ, કુળની શોભા, પવિત્રતા, સદાચાર, સદ્‌ગતિ વગેરે ગુણ પ્રાપ્ત થાય છે, માટે તમારે સર્વદા તન, મન, ધનથી તેનું રક્ષણ કરવું.” મહાનુભાવા શિવા સતીનાં આ વચનો આર્ય શ્રાવિકાઓ ગ્રહણ કરતી અને તે પ્રમાણે વર્તન કરવાને તત્પર થતી હતી.[૧]

१३–सुंदरी

સન્નારી પણ જૈન મહાત્મા આદિનાથ શ્રીઋષભદેવની પુત્રી હતી. આગળ વર્ણવેલી સતી બ્રાહ્મીની તે ઓરમાન બહેન થાય. તેની માતાનું નામ સુનંદા હતું. એ બાળા પણ ઘણી તીવ્ર બુદ્ધિની હતી. તેના પિતાએ તેને ગણિતવિદ્યાનું સારૂં જ્ઞાન આપ્યું હતું. ગણિત વિદ્યામાં તેની પારદર્શિતા જોઈને એ સમયના મોટા મોટા વિદ્વાનો પણ આશ્ચર્યચકિત થઈ જતા હતા.

એ જેવી બુદ્ધિશાળી હતી તેવી જ સુશીલ અને પરોપકારી હતી. તેનું સૌંદર્ય પણ અનુપમ હતું. એ પોતાનો સમય વિદ્યાભ્યાસમાં અને પોતાથી ઓછું ભણેલી બહેનોને સદ્‌વિદ્યાનો બોધ આપવામાં ગાળતી.

સુંદરીએ પણ પાછળથી પોતાના પિતા પાસેથી જૈનધર્મની દીક્ષા લીધી હતી. તેણે તપસ્યા કરીને પિતાના શુદ્ધ ચારિત્ર્યને વધારે ઉજ્જવલ બનાવ્યું હતું. તેણે પોતાના જીવનમાં ઘણાં સત્કર્મો કર્યાં હતાં. શહેરશહેર અને ગામેગામ પ્રવાસ કરીને તેણે દેશની ભગિનીઓને સારો બોધ આપ્યો હતો. તેનું ચરિત્ર આજદિન સુધી જૈન લોકોમાં આદર અને ભક્તિપૂર્વક ગવાય છે.


  1. “જૈન સતીમંડળ”માંથી સાભાર ઉદ્ધૃત – પ્રયોજક