પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



પ્રાણથી પણ અધિક પ્યારા સ્વામીનાથનાં દર્શન થાય. આવા વિચારથી દૂરઅંદેશ રાણીએ એક યુક્તિ શોધી કાઢી. પોતાના અંતઃકરણનો શોક અને તિરસ્કાર અંદરજ સમાવીને તેણે સ્મિતપૂર્વક રાજા મહેંદ્રસિંહને કહ્યું કે, “તમે મારા ઉપર આટલા બધા પ્રસન્ન થયા છો તો મારે તમારી પાસે કાંઈક માગી લેવાની ઈચ્છા છે, તે આપશો ?” રતિસુંદરીના મુખમાંથી આટલા શબ્દો નીકળવાથી તો રાજાના હર્ષનો પારજ રહ્યો નહિ. તેણે હર્ષપૂર્વક કહ્યું: “સુંદરિ ! તારે શું માગવું છે તે ખુશીથી જણાવ. આ સંસારમાં એવી કઈ વસ્તુ છે કે જે હું તને સમર્પણ ન કરી શકું ? હું મારૂં આખું રાજ્ય તારા ઉપર ન્યોછાવર કરવા તૈયાર છું, માટે તારે જે કાંઇ ઈચ્છા હોય તે માગી લે.” રતિસુંદરીએ કહ્યું કે, “હે મહારાજ ! મારી એવી ઈચ્છા છે કે આપણે હમણાં કેવળ શબ્દોથી જ વ્યવહાર રાખીએ. મારી ઈચ્છા ચાર મહિના સુધી બ્રહ્મચર્યવ્રત પાળવાની છે, માટે એ ચાર મહિના સુધી આપે મારા બ્રહ્મચર્યનો ભંગ કરવો નહિ.”

કામાંધ રાજાને ચાર મહિનાનો વિલંબ ઘણો અસહ્ય તો લાગ્યો, પણ જરાસરખી વાત માટે રતિસુંદરીને અપ્રસન્ન નહિ કરવાના વિચારથી તેણે એ બાબત વચન આપ્યું.

સતી રતિસુંદરીએ તે દિવસથી જૈનશાસ્ત્રોમાં લખેલા “આંબેલ” તપનો આરંભ કર્યો. સુંદર વસ્ત્રાભૂષણોનો ત્યાગ કરીને, કઠોર તપશ્ચર્યામાં તે લીન થઈ ગઈ. તપશ્ચર્યાને લીધે એ દિવસે દિવસે વધારે દુર્બળ થવા લાગી.

એક દિવસ રાજા મહેન્દ્રસિંહ તેની પાસે ગયો અને તેને એવી દુબળી પાતળી થઈ ગયેલી જોઈને ઘણુંજ આશ્ચર્ય પામ્યો. તેણે પ્રેમપૂર્વક તેની ખબરઅંતર પૂછી, ત્યારે રતિસુંદરીએ જણાવ્યું કે, “મને હવે સંસાર ઉપર વૈરાગ્ય ઊપજ્યો છે. મારે ચાર માસ સુધી આંબેલવ્રતનું તપ કરવું છે. તમે મારા બ્રહ્મચર્યનો ભંગ કરવા યત્ન કરશો, તો આપણે બન્નેને નરકમાં પડવું પડશે.” પરંતુ રતિસુંદરીને આ પ્રમાણે વૈરાગ્ય ઊપજેલો જોઈને રાજાએ ઘણું આશ્ચર્ય બતાવ્યું, ત્યારે સતી રતિસુંદરીએ તેને જ્ઞાનમાર્ગનો ઘણો ઉપદેશ આપ્યો અને સમજાવ્યું કે, “જે દેહના સૌંદર્ય ઉપર તમે મુગ્ધ થઈ ગયા છે તે દેહ તો મળમૂત્ર વગેરે ગંદી દુર્ગંધીવાળી વસ્તુઓથી ભરપૂર છે. તેના ઉપર મોહ